
ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં બન્યો ત્યારથી સતત ખામીગ્રસ્ત રહેતા અને વારંવાર ગાબડા પડવાને કારણે વાહનચાલકો માટે મુસિબત બનેલા ઘ-4 અંડરપાસના આરસીસી રોડ પર ગાબડાં પડવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા નવી ગ્રીન ક્વિક ફિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ટેક્નોલોજીથી વરસાદ કે ભીના માર્ગ હોય તો પણ ખાડામાં પેચિંગ કરી શકાય છે. જે તરત જ ફિક્સ થઇ જાય છે, જેથી ભીના માર્ગ પર પણ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી શકાય તેમ છે. શહેરમાં સૌથી મહત્વની સમસ્યા ઘ-4 અંડરપાસની છે. ઘ-4 અંડરપાસ બન્યો ત્યારથી વારંવાર ખાડા પડી રહ્યા છે. આ રસ્તો આરસીસીનો બનાવ્યો હોવા છતાં તે ટકાઉ નિવડ્યો નથી.
અંડરપાસની નીચે મેઇન ગટરલાઇન હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. પરિણામે અકસ્માત સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે હવે નવી ટેક્નોલોજીથી ઘ-4નો અંડરપાસ નવો બનાવવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે ખાનગી એજન્સીને પ્રોજેક્ટ કોસ્ટના 4 ટકા લેખે કામ સોંપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં ઉતાવળે લોકાર્પણ પામેલો શહેરનો પ્રથમ અંડરપાસ માત્ર સાડા ચાર વર્ષમાં જ રીનોવેશન માગી રહ્યો છે.
ગ્રીન ક્વીક ફિક્સ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છેઃ
રોડની સપાટી ભીની હોવા છતાં મટીરીયલ અસરકારક રીતે ચોંટે છે
ખાડામાં રહેલા દરેક કણ સાથે મજબૂત મોનોલિથિક બોન્ડ બનાવે છે
સમય જતાં આ પેચની મજબૂતીમાં વધારો થાય છે
મજબૂત, રોડને સમાંતર અને જળરોધક પેચ બને છે
પૂર્વ તૈયારી વિના સીધી જ કામગીરી થઇ શકે છે
રોડના ક્લિનિંગ કે પ્રાઇમિંગની જરૂર નથી
ખર્ચમાં પણ બચત થાય છે
રેપિડ હાર્ડનિંગથી ટૂંક સમયમાં ટ્રાફિક ફરી શરૂ કરી શકાય છે
સેલ્ફ કમ્પેક્ટિંગ અને સેલ્ફ ક્યોરિંગ ક્ષમતા
વારંવાર તૂટતી જાળીનું પણ નિરાકરણ લવાશે
ઘ-4 અંડરપાસમાં પાણીના નિકાલ માટે મૂકાયેલી જાળી વારંવાર તૂટી જાય છે. જેથી અકસ્માત થાય છે, વાહનોને નુસાન થાય છે. અત્યારસુધીમાં 30થી વધુ વખત જાળીનું રીપેરીંગ કરાયું છે. હવે તેનું કાયમી નિરાકરણ લવાશે.
પ્રયોગ સફળ રહેતા સમગ્ર રોડ આ પદ્ધતીથી તૈયાર થશેઃઘ-4 પર વારંવાર ગાબડાં પડવાની સ્થિતિને દૂર કરવા માટે ક્વીક ફિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસામાં પ્રાયોગિક ધોરણે કેટલાક પેચ આ ટેક્નોલોજીથી પુરાયા હતા. જે પ્રયોગ સફળ રહેતા હવે સમગ્ર ઘ-4 અંડરપાસનો માર્ગ આ પ્રકારે બનાવવાનો નિર્ણય કર્યો છે. > ગૌરાંગ વ્યાસ, ચેરમેન- સ્ટેન્ડિંગ કમિટી
હાલ પણ અંડરપાસમાં 12 ગાબડાં પડેલા છેઃઘ-4 અંડરપાસની સ્થિતિ ખરાબ છે. ચકાસણી કરતાં માર્ગ પર કુલ 12 ગાબડાં હોવાનું જણાયું હતું. જેમાં ઘ-5થી જવાના રસ્તા પર 7 ગાબડાં અને ઘ-3 તરફથી જતાં 5 ગાબડાં જણાઇ આવ્યા હતા.