લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દુકાનો પર લસણ 300 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. જોકે લસણના જથ્થાબંધ ભાવમાં ગત બે સપ્તાહમાં કોઇ ખાસ બદલાવ થયો નથી. પરંતુ રિટેલમાં લસણ 250-300 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. જે બે સપ્તાહ પહેલા 150-200 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું હતું. દેશમાં આ વર્ષે લસણનું ઉત્પાદન ગત વર્ષથી 76 ટકા વધુ થવા છતા તેની કિંમતમાં મોટો વધારો થયો છે. દેશની પ્રમુખ લસણ મંડી મધ્યપ્રદેશના નીમચ, મંદસોર અને રાજસ્થાનના કોટાના વેપારીઓએ જણાવ્યું કે વરસાદને કારણે સ્ટોકમાં રાખવામાં આવેલું લસણ ખરાબ થઇ જવાથી સપ્લાઇમાં મુશ્કેલી સર્જાઇ છે. જેથી કિંમતોમાં વધારો થયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં મધર ડેયરી બૂથ પર લસણ 300 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં શાકભાજીની દુકાનો પર લસણ 250-300 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. લસણના પ્રમુખ ઉત્પાદક રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પણ રિટેલ ભાવ 200 રૂપિયા કિલોથી વધારે રહ્યા છે. નીમચમાં શનિવારે વિભિન્ન ક્વોલિટીના લસણનો ભાવ 8000-17000 રૂપિયા ક્વિન્ટલ હતો. નીમચના વેપારી પીયૂષ ગોયલે જણાવ્યું કે આવક ઘણી ઘટી ગઇ, કેમકે જેમની પાસે લસણ છે, તે ભાવ વધુ વધે તેની રાહ જોઇ રહ્યા છે. આ સમયે લસણની આવક 4000-5000 બોરી (50 કિલો) છે, જ્યારે પીક આવકની સિઝન દરમિયાન નીમચમાં લસણની આવક 20,000 બોરીથી વધારે રહે છે. નોંધનીય છે કે ભારત લસણના મુખ્ય ઉત્પાદક દેશોમાંથી એક છે. જ્યારે ચીન દુનિયાનો સૌથી મોટો લસણ ઉત્પાદક દેશ છે.