જ્યારે તમે ઘરે જાતે જ બાઈકની સર્વિસ કરવા ઈચ્છો છો તો તમે આ 5 બાબતોનું ધ્યાન રાખી લો તે જરૂરી છે. આમ કરવાથી તમારું બાઈક તમને સારી માઈલેજ આપશે અને તેને વધારે પડતી સર્વિસની જરૂર રહેશે નહીં. તો જાણી લો આ 5 વાતો અને મેન્ટેન કરી લો તમારું બાઈક જાતે જ.
દર અઠવાડિયે 1 વાર બાઈકના બંને ટાયરમાં હવા ચેક કરાવો. મોટાભાગે લોકો પોતાની મરજીથી ટાયરમાં હવા ભરાવી લે છે. આ ખોટું છે. કંપનીએ નક્કી કરીને જે આંક આપ્યો હોય તેટલી હવા ભરાવવામાં આવે તો બાઈક સારી રીતે કામ કરે છે. શક્ય હોય ત્યાં સુધી નાઈટ્રોજન એરનો ઉપયોગ કરો તો સારું રહે છે. મોટાભાગે દરેક સર્વિસમાં બાઈકનું ઓઈલ બદલી લેવામાં આવે છે. આ વસ્તુ જરૂરી પણ છે. તેનાથી બાઈકની માઈલેજ અને પરફોર્મન્સ પર અસર થાય છે. બાઈકના મેન્યુઅલમાં જાણી લો કે ક્યારે તમારે ઓઈલ બદલવું જોઈએ. ઓઈલ બદલાવવા માટે તમારે સર્વિસ સેન્ટર પર જવાની જરૂર નથી, તમે તેને જાતે જ બદલી શકો છો. પહેલાં બાઈકને પાંચ મિનિટ માટે સ્ટાર્ટ કરો. પછી બંધ કરો. તેનાથી ઓઈલ ગરમ થઈ જશે અને લાઈટ થશે. આ સિવાય એન્જિનની નીચેની કેપને હટાવી લો અને ઓઈલને કોઈ વાસણમાં કાઢી લો. ત્યારપછી બાઈકને હલાવો અને ઓઈલને એન્જિનમાંથી બહાર નીકળી જવા દો. જૂનું ઓઈલ નીકળી જાય પછી નવું ઓઈલ નાંખો.
જો તમે તમારી બાઈકનું પરફોર્મન્સ વધારવા ઈચ્છો છો તો તમે એર ફિલ્ટરને સાફ રાખો અને તે ખરાબ થયું હોય તો તેને બદલી દો. લગભગ 1500-2000 કિમી પર એર ફિલ્ટર બદલી દેવું જરૂરી છે. એર ફિલ્ટર બાઈકની સીટની નીચે લાગેલું હોય છે. તેને બદલવા માટે ફિલ્ટરના કેવરને ખોલો અને તેને કાઢીને ફિલ્ટર બોક્સને પેટ્રોલથી સાફ કરો. આમ કરવાથી તેમાની ગંદગી સાફ થશે. હવે નવું ફિલ્ટર લગાવી લો. બાઈકનું પરફોર્મન્સ વધી જશે. બાઈકની ચેઈનને સમયાંતરે સાફ કરતા રહો. તમે તેને જાતે જ સાફ કરી શકો છો. આ માટે ચેઈન કવરને હટાવો અને ચેઈન પર પેટ્રોલ નાંખો અને સાફ કરો. તમામ ગંદગી સાફ થયા બાદ ચેઈનમાં લ્યુબ્રિકેંટ નાંખો. ચેઈન પર ગ્રીસનો ઉપયોગ ન કરો. ગ્રીસ લગાવવાના કારણે રોટેશનમાં તકલીફ આવી શકે છે. ગ્રીસ ચીકણું હોવાથી ચેઈન પર ગંદગી પણ ઝડપથી જામે છે. મોટાભાગે કૂલેંટનો ઉપયોગ ગાડી માટે કરવામાં આવે છે. પરંતુ આજકાલ પ્રીમિયમ બાઈક્સમાં પણ કૂલેંટ વાપરવામાં આવે છે. તે એન્જિનને ગરમીથી બચાવે છે. કૂલેંટ બદલવા માટે તમારે સૌ પહેલાં ફ્યૂલ ટેન્કના કવરને હટાવો. ત્યારબાદ રેડિએટર કેપની પાસેની કૂલેંટ કેપની નીચેથી એક વાયર પસાર થાય છે. તેની નીચે એક નાનો બોલ્ટ હશે તેને ખોલીને કૂલેંટ કાઢી લો. ત્યારબાદ રેડિએટરમાં ડિસ્ટલ વોટર નાંખીને કૂલેંટને ફ્લશ કરો. આ સાથે 2-3 મિનિટ માટે બાઈકને સ્ટાર્ટ કરો. આ પ્રક્રિયા 2-3 વખત કરવાથી કૂલેંટ નીકળી જશે. હવે તમે નવું કૂલેંટ નાંખી શકો છો.