રાહત:શહેરી વિસ્તારને જોડતા ગામોના માર્ગ 37 કરોડના ખર્ચે નવા બનાવાશે

Spread the love

ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા ગામોને મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારો સાથે જોડતા 25 માર્ગોના વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ માટે કુલ 37.32 કરોડનો ખર્ચ થવાનો છે અને અંદાજે 28.55 કિલોમીટર માર્ગ વિકાસ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ તબક્કાવાર અમલમાં મૂકાઈ રહ્યો છે. કુલ 25 માર્ગોમાંથી 5 માર્ગોનું કામ ટેન્ડર ઓર્ડર તબક્કામાં છે, જ્યારે 2 માર્ગો માટે વર્ક ઓર્ડર આપવામાં આવી ચૂક્યા છે અને સ્થળ પર કામ શરૂ પણ થઈ ગયું છે. ઉપરાંત, નવેમ્બરમાં 10 માર્ગોને મંજૂરી આપવામાં આવી હતી, જે હાલમાં ડિઝાઇનિંગ અને ટેકનિકલ આયોજન તબક્કામાં છે, જેથી લાંબા ગાળે ટકાઉ અને ગુણવત્તાયુક્ત માર્ગોનું નિર્માણ થઈ શકે. બાકીના માર્ગો માટે પણ ટૂંક સમયમાં ટેન્ડર અને મંજૂરી પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
આ તમામ માર્ગો ઓલ-વેધર રોડ તરીકે વિકસાવવામાં આવશે, જેથી વરસાદ કે અન્ય પ્રતિકૂળ હવામાન દરમિયાન પણ વાહન વ્યવહાર ચાલુ રહી શકે. આ માર્ગો બનવાથી ગામડાંના લોકોને શાળા, આરોગ્ય કેન્દ્રો, કૃષિ બજારો અને રોજગાર કેન્દ્રો સુધી પહોંચ વધુ સરળ બનશે તેમજ મુસાફરીનો સમય પણ ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *