
થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષના આગમનને વધાવવા યુવાન થનગની રહ્યા છે ત્યારે તેમના પાર્ટી કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ખાનગી પાર્ટીઓના આયોજકો- હોટેલ રેસ્ટોરન્ટ ઉપરાંત ફાર્મ હાઉસમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. તમામ સ્થળે એડવાન્સ બૂકીંગ થઇ રહ્યા છે. પોતાના ગૃપ સાથે થર્ટી ફર્સ્ટ નાઇટ મનાવવા માટે ફાર્મ હાઉસનો જૂનો ટ્રેન્ડ છે પરંતુ હવે તેનું સ્થાન વિકએન્ડ વિલા લઇ રહ્યા છે. શહેરની ભીડભાડથી દૂર આવેલા વિકએન્ડ વિલા યુવાનોને થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનની તમામ સુવિધાઓ આપી રહ્યા છે. સાથે તેના ભાડા પણ ત્રણ ગણા વધી ગયા છે.
ફાર્મ હાઉસમાં યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઇને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે. આ ટ્રેન્ડ હજુ ચાલું છે પરંતુ યુવાનોના લિમિટેડ ગૃપ અને બે- ચાર પરિવારો એકત્ર થઇને પોતાની રીતે મર્યાદિત ઉજવણી કરવી હોય તેમના માટે વિકએન્ડ વિલાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અત્યારસુધી વિકએન્ડ વિલા મિનિ વેેકેશન પુરતા મર્યાદિત હતા પરંતુ હવે થર્ટી ફર્સ્ટ- ન્યૂયર સેલિબ્રેશન માટે પણ ઉપયોગ થઇ રહ્યો છે. કેટલાક વિકએન્ડ વિલા તો શહેરના પ્રાઇમ લોકેશન સરગાસણ- પોર, કુડાસણ, રાયસણ જેવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. આવા વિલાનું 31મી ડિસેમ્બરે એક વ્યક્તિનું એક રાતનું ભાડું 36 હજાર સુધી પહોંચી ગયું છે. જે સામાન્ય દિવસોમાં 10થી 12 હજાર જેટલું રહેતું હોય છે. સાથે સાથે ફાર્મ હાઉસના ભાડામાં પણ વધારો થયો છે.
ડાન્સથી લઇને ડિનર સુધીની વ્યવસ્થાઃવિકએન્ડ વિલામાં આવનાર ગૃપને ડાન્સથી લઇને ગાલા ડિનર સુધીની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્રકારના વિલા શહેરથી નજીક અને મર્યાદિત ચહલપહલ ધરાવતા હોવાથી યુવાનો પસંદ કરી રહ્યા છે. જોકે તે ઘણા ખર્ચાળ પણ છે.
ક્લબ- રેસ્ટોરાંમાં ગાલા ડિનરના આયોજનઃશહેરમાં ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ- ન્યૂયર સેલિબ્રેશન માટે અનેક પંચતારક હોટેલોમાં ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ માટે ગાલા ડિનર સહિતના આયોજન કરવામાં આવ્યા છે. કેટલીક હોટેલો અને ક્લબ- રેસ્ટોરાંમાં ડિનરનો ભાવ 6 હજાર સુધી લેવામાં આવી રહ્યો છે. જોકે, આવા સ્થળોએ પણ એડવાન્સમાં ટેબલ બૂક થઇ રહ્યા છે.