રેસ્ક્યૂ:મરઘા-બતકાની જેમ 23 પશુ ભરીને લઈ જતું વાહન ઝડપાયું

Spread the love

ગાંધીનગરના અડાલજ પોલીસે 23 પાડાઓને જીવના જોખમે લઈ જતું એક વાહન ઝડપી પાડ્યું છે. પોલીસની 112 જનરક્ષક ટીમને માહિતી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ તરફ જતાં હાઈવે રોડ પર પબ્લિકે એક પશુ ભરેલી ગાડી રોકી છે,જેના આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જી.જે.02.એ.ટી.6369 નંબરના પીકઅપ ડાલામાં 23 પાડાઓને અત્યંત નિર્દયતાપૂર્વક, પૂરતો હવા-ઉજાસ ન મળે અને હલનચલન ન કરી શકે તે રીતે એકબીજા સાથે ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. કુલ 23 પાડાઓ હતા,જેમાંથી 2 પાડા આશરે એક વર્ષના અને 21 પાડા બે વર્ષની ઉંમરના હતા. કેટલાક પશુઓ પર વાદળી અને પીળા રંગના ટપકાં કરેલા હતા, જે કોઈ ધંધાકીય નિશાની હોવાનું મનાય છે,આ પશુઓના પગ રસ્સી વડે ટૂંકા બાંધેલા હતા અને તેમના માટે ખોરાક કે પાણીની કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી.
આ ગુનામાં પોલીસે કડીના જાસલપુર રોડ પર રહેતા રજ્જાક સાબીરભાઇ મલેક (ઉંમર 27) નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે ₹46,૦૦૦ ની કિંમતના ૨23 પાડા અને ₹4,00,000 ની કિંમતનું વાહન મળી કુલ ₹4,46,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા તમામ પશુઓને તાત્કાલિક સારસંભાળ માટે નજીકની કલોલ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં પશુ ભરેલું વાહન પકડાયું હોવાનો પ્રથમ બનાવ હોવાનું સામે આવ્યું છે. તસ્કર ટોળકી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એકાદ પશુની ચોરી કરીને કતલખાને મોલકતા હોય છે. પરંતુ કતલ કરવાના ઇરાદે આટલી મોટી સંખ્યામાં પશુઓ પકડાતાં પોલીસે વાહનચાલકની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *