

અમદાવાદ તેમ જ આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાતી રેવ પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો 432 ગ્રામ હાઈબ્રિડ ગાંજો પકડાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શેલા-બોપલ રોડ પરના એપલવૂડ વિલા પાસેથી રૂ.15.12 લાખના ગાંજા સાથે 3ની ધરપકડ કરી છે. ગાંજાના સપ્લાયરે તેની મર્સિડિસ કારના ડ્રાઇવરને ગાંજો ડિલિવરી કરવા મોકલ્યો હતો. જ્યારે સામે 2 પેડલર ગાંજો લેવા આવ્યા હતા. ગાંજાની આપલે થઈ રહી હતી ત્યારે જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
એપલવુડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો મગાવીને સપ્લાય કરતો હતો. આટલું જ નહીં પોલીસને શંકા ન જાય તે માટે અર્ચિત મર્સિડિસમાં ગાંજાનો જથ્થો લઈને નીકળતો હતો. જ્યારે જે જગ્યાએ ગાંજાની ડિલિવરી આપવાની હોય ત્યાં ગાંજાનો જથ્થો લઈને ડ્રાઇવરને ઉતારી દેતો હતો. આ વિશે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ મિતેશ ત્રિવેદીને માહિતી મળતા તેમણે અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સોમવારે બપોરે અર્ચિત ઘરેથી ગાડીમાં તેના ગાંજાના ધંધાના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની (સાઉથ બોપલ) સાથે ડ્રાઇવર રાહુલ ભદોરિયા (ગાંધીનગર)ની સાથે કારમાં નીકળ્યો હતો, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે બોપલ – શેલા એપલવૂડ વિલાથી થોડે દૂર અર્ચિતે રાહુલને ઉતારી દીધો હતો અને તે અને ચિન્મય ગાડી લઈને ત્યાંથી જતા રહ્યા હતા.
જ્યારે રાહુલ ત્યાં જ હાથમાં પાર્સલ લઈને ઊભો હતો. થોડી વારમાં બે માણસ આવતા રાહુલે તેમને ગાંજાે આપતાની સાથે જ પોલીસે રાહુલ તેમ જ ગાંજો લેવા આવેલા રવિ માર્કન (વસ્ત્રાપુર) અને દર્શન પરીખ (જજીસ બંગલો રોડ)ને ઝડપી લીધા હતા. રવિ અને દર્શન પાસેથી પકડાયેલો હાઈબ્રિડ ગાંજો તેઓ શહેર અને જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા, જેના આધારે પોલીસે બંને પાસેથી ગ્રાહકોની માહિતી એકત્રિત કરી છે.
અર્ચિત અગ્રવાલની વર્ષ 2023માં અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમે બોપલ વિસ્તારમાંથી 10 ગ્રામ ગાંજા અને 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી. જ્યારે હાલમાં પકડાયેલું આ કન્સાઈન્મેન્ટનો હાઈબ્રિડ ગાંજો અર્ચિત થાઈલેન્ડથી મગાવતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી હતી.
ડ્રાઇવર રાહુલ ભદોરિયા ઘણાં વર્ષથી અર્ચિત અગ્રવાલને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. રાહુલની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગાંજાના એક કન્સાઇન્મેન્ટની ડિલિવરી કરવાના અર્ચિત તેને રૂ.10 હજાર આપતો હતો. જ્યારે આ રીતે છેલ્લા 4 મહિનામાં અર્ચિતના કહેવાથી રાહુલે ગાંજાનાં 15 કન્સાઇન્મેન્ટની ડિલિવરી કરી હતી.