CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે. આરોપી કૌશિક કારેલિયા, જેઓ તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. તેઓને કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ 63 લાખના દંડની સજા ફટકારી છે.
તેમની પત્ની પૂજા કારેલિયાને આ કેસમાં સહાયતા માટે એક વર્ષની કેદ અને 50 હજારના દંડની સજા આપવામાં આવી છે. CBI ને 30 સપ્ટેમ્બર, 2013 ના રોજ આરોપી કૌશિક કારેલિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેઓની સામે આરોપ હતો કે આરોપીએ 01 સપ્ટેમ્બર, 2008થી 31 માર્ચ, 2013 ના સમયગાળામાં પોતાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 19.86 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી.
જે તેમની આવક કરતાં 130 % વધારે હતી. તપાસ દરમિયાન ચેક પીરિયડ વર્ષ 2004 થી 2013 સુધી વિસ્તારવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા પછી CBI એ 03 સપ્ટેમ્બર, 2014 ના રોજ આરોપી કૌશિક કારેલિયા અને તેમની પત્ની પૂજા કારેલિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ 57.60 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની જાણીતી આવક કરતાં 183.5 ટકા વધારે છે.
