
3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશો, જવાબોમાં કોઈ વાંધો કે શંકા હોય તો અરજી થશે
રાજ્યમાં ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના પરિપત્ર મુજબ TET-1 પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોની OMR શીટ 30 ડિસેમ્બર 2025ના રોજ અધિકૃત વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવી છે.
પ્રોવિઝનલ આન્સર કી 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશો
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારો પોતાની OMR શીટ 3 જાન્યુઆરી 2026 સુધી ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારને જવાબોમાં કોઈ વાંધો કે શંકા હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ધ્યાનમાં લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે. બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર OMR શીટ ડાઉનલોડ કરવાની સૂચના આપી છે.
ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે રવિવારે યોજાયેલી TET-1 પરીક્ષા બપોરના 12થી 2 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં 1.01 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા હતા. પરીક્ષામાં ગણિત વિષય અઘરું હોવાની ફરિયાદો ઉમેદવારો તરફથી સામે આવી હતી. બે વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં સમય 30 મિનિટ વધારી 120 મિનિટ આપવામાં આવ્યો હોવા છતાં અનેક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતો. તેમ છતાં કોઈ મોટા વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતાં હવે પરિણામ પ્રક્રિયા તરફ બોર્ડે ઝડપ વધારી છે.
નેગેટિવ માર્કિંગ ન હોવાથી ઉમેદવારોમાં થોડી રાહત
150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન હોવાના કારણે ઉમેદવારોમાં થોડી રાહત જોવા મળી હતી. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે પાસ થનારા ઉમેદવારોને ધોરણ 1થી 5ના સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી માટે લાયક ગણવામાં આવશે.
માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય
TET-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે, પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય.
શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી
નિવૃત્તિ અને એક્સ્ટેન્શન પૂર્ણ થતાં વધશે ખાલી જગ્યાઓ ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે.
3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી
વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.