
કલોલ શહેરના વિકાસ માટે વિવિધ વિકાસકામનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે ગટર લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી યુવાનનો ભોગ લેવાયો હોવાના બનાવે શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાણીની લાઇન તૂટી જતા રોડ પર ભરાયેલા પાણીમાં યુવાનનો પગ લપસી જતા તેનું મોત થયુ હોવાનો ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. તેમાં ખોદકામ દરમિયાન પાણીની ભૂગર્ભ લાઇન તૂટી જવાથી રોડ પર પાણીની રેલમછેલના કારણે કાદવ-કિચ્ચડ થયો છે. ત્યારે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. તે દરમિયાન રોડ પરથી પસાર થઇ રહેલા જીતુભાઇ લક્ષમણભાઇ બુનકર (રહે- નરનારાયણ સોસાયટી વિભાગ-1, કલોલ, મુળ રાજસ્થાન) નામના 28 વર્ષના યુવાનનો પગ લપસી જતા ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયુ હતું.
આ અંગે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર-5 નાભાજપના કાઉન્સીલર તિમિર જેસ્વાલે આક્ષેપ કર્યો છે કે GUDCના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક યુવાનનો ભોગ લેવાયો છે. ખોદકામ દરમિયાન લોકોની સલામતી માટે રોડ પર બેરીકેટ લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધાના કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતાં. તેમજ લાઇનમાં ભંગાણ પડ્યા બાદ ફોર્સથી છૂટતા પાણીને સ્ટ્રોમ વોટર લાઇનમાં વાળવા માટે કહેવામાં આવ્યુ હતું, તેમ છતાં કોન્ટ્રાક્ટરે તેમ ન કરતા સમગ્ર વિસ્તારના રોડ પાણીથી ભરાઇ જતા કાદવ જામ્યો હતો.
આ ગંભીર ઘટનામાં કંપનીના કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી થવાની છે, તેમાં અમે ભોગ બનેલા પરિવારને સહકાર આપવા અમે તેમની સાથે રહીશું. વિકાસની સાથે ક્યારેક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ક્યારેક નવયુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કલોલમાં ગટરલાઇનના ખોદકામ દરમિયાન પાણીની ભૂગર્ભ લાઇન તૂટી ગઇ હતી. જેમાં યુવક લપસી ગયો હતો.