રાજયમાં મંત્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્યમંત્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યોની 13 સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સમિતિઓમાં રાજયના સંસદ સભ્યોને આમંત્રિત સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.
પ્રથમ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 16 મંત્રી-ધારાસભ્યો તેમજ આમંત્રિત સભ્ય તરીકે ત્રણ સાંસદો, બીજી સમિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 18 મંત્રી-ધારાસભ્યો તથા ત્રણ સાંસદો, ત્રીજી સમિતિમાં નાણા મંત્રી કનુ દેસાઈ સહિત 15 મંત્રી-ધારાસભ્યો સહિત ત્રણ સાંસદો, ચોથી સમિતિમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત 16 મંત્રી-ધારાસભ્યો સહિત ત્રણ સાસંદો, પાંચમી સમિતિમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહિત 15 મંત્રી-ધારાસભ્યો અને ત્રણ સાંસદો, છઠ્ઠી સમિતિમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા સહિત 15 મંત્રી-ધારાસભ્યો અને બે સાંસદો તેમજ સાતમી સમિતિમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત 15 મંત્રી-ધારાસભ્યો અને બે સાંસદોનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આઠમી સમિતિમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત 14 મંત્રી-ધારાસભ્યો અને બે સાંસદો, નવમી સમિતિમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સહિત 16 મંત્રી-ધારાસભ્યો તથા બે સાંસદો, 10મી સમિતિમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી સહિત 14 મંત્રી-ધારાસભ્યો અને બે સાંસદો, 11મી સમિતિમાં જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત 12 ધારાસભ્યો અને બે સાંસદો, 12મી સમિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ૧૨ ધારાસભ્યો અને બે સાંસદો તેમજ અંતિમ 13મી સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલ સહિત 11 ધારાસભ્યો તેમજ બે સાંસદોનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પરામર્શ સમિતિઓના કાર્યક્ષેત્રમાં દરેક પરામર્શ સમિતિ હાલ તુરંત વર્તમાન મંત્રીમંડળની મુદત સુધી કાર્ય કરશે. દર ત્રણ મહિને એકવાર અથવા મંત્રીશ્રી નકકી કરે તેમ વારંવાર મળતી સમિતિની બેઠકોમાં મંત્રી પ્રમુખ તરીકેનું સ્થાન સંભાળશે અને સંબંધિત રાજયકક્ષાના મંત્રી પણ બેઠકમાં હાજરી આપશે. મંત્રી જે વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમાંની નીતિના અમલ, વ્યાપક મહત્વની બાબતોના પ્રશ્નો તેમજ નાગરિકોને લગતા પ્રશ્નો અંગે સમિતિ તેમની સાથે પરામર્શ કરશે. મંત્રી પોતે સમિતિ સમક્ષ રજૂ કરે તેવી અથવા કોઇ સભ્ય સમિતિ સમક્ષ રજૂ કરવા મંત્રીને વિનંતી કર્યાથી મંત્રી રજૂ કરે તેવી બાબતો અંગે સમિતિ વિચારણા કરશે.
સમિતિ વ્યક્તિગત અધિકારીઓની અંગત, નોકરી અંગેની બાબતોને લગતા કોઇ પ્રશ્નો, હાલના નિયમો અને હુકમો અનુસાર સંબંધિત અધિકારીશ્રીઓ જેનો નિકાલ કરી શકે તેવા વ્યક્તિગત કોઇ કેસ અથવા ન્યાયિક કાર્યવાહીમાં વિચારાધિન હોય તેવા અથવા જેને અંગે પક્ષકાર કોર્ટમાં અથવા તે અંગે નિર્ણય લઇ શકે તેવી સત્તા ધરાવતા બીજા પ્રાધિકારોને અરજી કરી શકે તેવી બાબતો વિચારણામાં લેશે નહિ. પરામર્શ સમિતિઓનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે.