
અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારનું દુષણ અટકાવવા PCB દ્વારા વર્ષ 2025માં ખૂબ મોટી કામગીરી કરવામાં આવી છે સાથે સાથે રીઢા ગુનેગારો અને બુટલેગરોને પણ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે જે માટે વર્ષ 2025માં પોલીસ કમિશનરે 1107 રીઢા આરોપીઓને પાસા કરી જુદી–જુદી જેલોમાં રવાના કર્યા છે, જ્યારે 258 માથાભારે તત્વોને અમદાવાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરના સીધા તાબામાં આવતી પીસીબીની ટીમે વર્ષ દરમ્યાન દારૂના 400 કેસ કરી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. જ્યારે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પીસીબીની ટીમે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.57 કરોડનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઉપરાંત શરૂ થતા વર્ષ 2026માં પણ ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કમિશનર ઓફિસ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદમાં કેટલાક માથાભારે તત્વો માથું ઊંચકીને ફરી સક્રિય બન્યા હતા. તે સમયે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તેમને પાઠ ભણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. તમામ પોલીસ મથકોમાં માથાભારે તત્વોની યાદી તૈયાર કરવામાં આવી અને તેમના સામે ફરિયાદ નોંધાય કે તરત જ પાસાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે પણ પાસા અને તડીપાર માટેની ઑન-પેપર કામગીરી વેગવંતી બનાવી હતી. જેના પરિણામે વર્ષ દરમિયાન 1107 ગુનેગારોને પાસા કરવામાં આવ્યા હતા, જ્યારે 258 માથાભારે તત્વોને તડીપાર કરી શકાયા હતા.
બીજી તરફ પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે વર્ષ દરમ્યાન પ્રોહિબિશનના 400 કેસ કરી બુટલેગરોની સ્થાનિકT પોલીસ સાથેની ગોઠવણ ખુલ્લી પાડી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. વર્ષ દરમ્યાન રૂ. 5.74 કરોડનો દારૂ ઝડપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પીસીબીની ટીમે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 83.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.67 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો છે.