લગ્નજીવનમાં સતત તકરારો અને મતભેદોના કારણે જ્યારે પતિ અને પત્ની પરસ્પર સંમંતિથી અલગ થવાનો નિર્ણય કરે છે, ત્યારે હિન્દુ મેરેજ એક્ટની કલમ-13બી હેઠળ અરજી કરવામાં આવે છે. સામાન્ય રીતે ફેમીલી કોર્ટ આવી અરજીમાં છ મહિનાનો કૂલિંગ પિરિયડ આપે છે. આ સમયગાળો દંપત્તિને પુનઃવિચાર માટેનો અવકાશ આપવા માટે રાખવામાં આવે છે.
કૂલિંગ પિરિયડનો હેતુ અને મર્યાદા
આ છ મહિનાનો સમયગાળો એ માટે હોય છે કે જો આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે ફરી સુમેળ સર્જાય તો તેઓ એકસાથે રહેવાનો નિર્ણય કરી શકે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સંબંધ એટલા તૂટેલા હોય છે કે સમાધાનની કોઈ શક્યતા રહેતી નથી. આવી સ્થિતિમાં આ સમયગાળો માત્ર માનસિક પીડા વધારતો સાબિત થાય છે.
હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સંમંતિપૂર્વકના છૂટાછેડાના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ સંગીતા કે. વિશેણ અને ન્યાયમૂર્તિ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે છ મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી. યોગ્ય સંજોગોમાં આ સમયગાળો જતો કરી શકાય છે.
ફેમીલી કોર્ટના હુકમ પર પ્રશ્ન
આ કેસમાં ફેમીલી કોર્ટે દંપત્તીની સંમંતિથી કરાયેલી અરજી નામંજૂર કરી હતી. હાઈકોર્ટે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કર્યો હતો. અદાલતે નોંધ્યું કે જ્યારે બંને પક્ષો છૂટાછેડા માટે દ્રઢ નિશ્ચય પર હોય, ત્યારે કાયદાનો હેતુ અનાવશ્યક વિલંબ કરવાનો નથી.
સમાધાન અશક્ય હોય ત્યાં રાહત
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં પતિ-પત્ની વચ્ચે પુનઃમિલનની કોઈ શક્યતા નથી, ત્યાં કૂલિંગ પિરિયડ લાગુ કરવો જરૂરી નથી. આવા કિસ્સાઓમાં આ સમયગાળો માત્ર પ્રક્રિયાને લંબાવે છે. ન્યાયના હિતમાં સમયગાળો વેવ કરવો યોગ્ય ગણાય છે.
એક વર્ષથી અલગ રહેતા દંપતી માટે સ્પષ્ટતા
અદાલતે જણાવ્યું કે જો પક્ષકારો અરજી કરતા પહેલાં એક વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોય અને બંનેએ સંમંતિ આપી હોય, તો કાયદાની મૂળ શરતો પૂર્ણ થઈ જાય છે. આવી સ્થિતિમાં છ મહિનાનો વધારાનો સમયગાળો ફરજિયાત ગણાવી શકાય નહીં.
યુવાન દંપતીની ભવિષ્યની ચિંતા
હાઈકોર્ટે નોંધ્યું કે બંને પક્ષો યુવાન છે અને પોતાની કારકિર્દી તથા જીવન આગળ વધારવા ઇચ્છે છે. જો તેમની વિનંતી સ્વીકારવામાં ન આવે તો તેમની માનસિક પીડા વધુ લંબાશે. તેથી ન્યાયના હિતમાં ફેમીલી કોર્ટે તેમને અરજી કરવાની તક આપવી જોઈએ.
છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે
આ ચુકાદાથી તેવા દંપત્તિને મોટી રાહત મળશે જેમના માટે સમાધાન શક્ય નથી. હવે સંમંતિપૂર્વક છૂટાછેડા લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ રહેશે નહીં. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય ફેમીલી કાયદામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે.