વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી
સોમનાથ
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, માંડવી ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા, અગ્રણી શ્રી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
ગીર સોમનાથ તા.૧૦ પૌરાણિક અને ઐતિહાસિક ગ્રંથોમાં વર્ણિત ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથની જાહોજલાલી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે.અવિનાશી ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ પ્રતિક રૂપ શ્રી સોમનાથ મંદિર પર આજે ૧૫૦૦ થી વધુ સુવર્ણ કળશ સુશોભિત થઈ રહ્યા છે, શ્રી સોમનાથ મંદિરનું ગર્ભગૃહ, શિવલિંગ પર છત્ર, ગર્ભગૃહના દરવાજા અને દરવાજા પાસેના સ્તંભો, મંદિરના શિખર પર સ્થાપિત સુવર્ણ ધ્વજ દંડ અને તેની સાથે જોડાયેલું ત્રિશૂળ વગેરે સોમનાથની પુન:ર્જીવિત થયેલી વૈભવતાની સાક્ષી પૂરી રહ્યા છે.
આ સંદર્ભમાં સોમનાથના ઇતિહાસરસિક અને અભ્યાસુ શ્રી ભાસ્કરભાઈ વૈદ્ય જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇતિહાસ પુરાણોમાં વર્ણિત સોમનાથની જાહોજલાલી પુનઃસ્થાપિત થઈ રહી છે, ઇતિહાસ અને પૌરાણિક ગ્રંથોમાં સોમનાથની વૈભવતા અને સમૃદ્ધિનું જે વર્ણન જોવા મળે છે, તેને અનુરૂપ અને પૌરાણિક મહાત્મય જાળવીને ઐશ્વર્ય પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ સદીઓ પૂર્વે શ્રી સોમનાથ મંદિરમાં ભારે વજનદાર સોનાની સાંકળ અને ઘંટ, રત્ન જડિત સ્તંભો વગેરે વૈભવથી ચળકતું હતું. શ્રી સોમનાથ મંદિરની જાહોજલાલીનો લેખક કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તકોમાં પણ ઉલ્લેખ કર્યો છે. સોમનાથ મંદિરની આ જાહોજલાલી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ પણ વિશ્વભરમાં વિખ્યાત હતી.
આ સંદર્ભમાં શ્રી ભાસ્કરભાઈ વૈદ્ય જણાવે છે કે, ભગવાન સોમનાથ માટે ખાસ કશ્મીરથી કેસરના ફૂલો અને હરિદ્વારથી ગંગાજળ પણ લાવવામાં આવતું હતું, શ્રી સોમનાથ મંદિરની અપાર વૈભવતા અને ભવ્યતાથી સમૃદ્ધ હતું.
તેમણે કહ્યું કે, શ્રી ભગવાન સોમનાથના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીનો પ્રારંભમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રારંભ થયો હતો. તેઓ શ્રી સોમનાથ મંદિરમાં સુવર્ણમઢીત થવાના પ્રસંગોએ ઉપસ્થિત પણ રહ્યા હતા.
તેઓ કહે છે કે, અનન્ય શિવભક્તો અને શ્રેષ્ઠિઓના દાનથી સોમનાથને સુવર્ણમય બનાવવામાં આવી રહ્યું છે, વર્ષ ૨૦૦૨માં રાજકોટના એક પરિવારે પ્રથમ સોમનાથ મંદિરમાં ૭૫ કિલોનું થાળું અર્પણ કર્યું હતું, ત્યારબાદ લખી પરિવારે પણ સોનાના દાન આપવાનો સંકલ્પ કર્યો હતો, તેનાથી મહદઅંશે શ્રી સોમનાથ મંદિરને સુવર્ણમય કરવાની શરૂઆત થઈ હતી, તેવું કહી શકાય. આજે પણ સોમનાથ ટ્રસ્ટની સુવર્ણ કળશ યોજના થકી ઘણા દાતાઓએ મંદિર પરના કળશને સુવર્ણમઢિત કરવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, ભારતીય અસ્મિતાના પ્રતિક રૂપ સોમનાથ તીર્થક્ષેત્રનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સમુદ્ર કિનારે બનેલો ભવ્ય વોક વે, ભાવિકો માટે દર્શનની સુલભ વ્યવસ્થાઓ, ગોલ્ફ કાર, વગેરે સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ’ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો તેમજ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.ગૃહ મંત્રીશ્રીએ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે ભીડ નિયંત્રણ, ઇમરજન્સી સેવાઓની સજ્જતા અને ટેકનોલોજીના ઉપયોગ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ સફળ રીતે સંપન્ન થાય તે માટે તેમણે વહીવટી તંત્રને આહ્વાન કર્યું હતું.



