
ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને મજબૂત કરવા માટે ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ (ગુડા) દ્વારા કુલ રૂ 118.81 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કામો શરૂ કરવામાં આવશે. વિકાસ યોજનાઓ હેઠળ રૂપાલ, સોનીપુર, સરઢવ, આદરજ મોટી, પીપલાજ, ઉવારસદ અને ચિલોડા ગામોમાં તળાવના વિકાસ માટે 65.45 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાવજ, પ્રાંતીયા, સરઢવ, રૂપાલ, સોનીપુર, પીપલાજ, દોલારાણા વાલણા, શાહપુર, પીરોજપુર, વલાદ, આલમપુર, લેખાવાડા, ડભોડ અને ઉવારસદ ગામોમાં રોડ રીસ્ટોરેશન માટે ₹9.86 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સાથે જ ચિલોડા ગામમાં 7.0 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સ્થાપવા માટે 43.50 કરોડની મહત્વની યોજના મંજૂર થઈ છે.
આ વિકાસ કામોનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોમાં વધતી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તળાવોના વિકાસ માટે ફાળવાયેલા 65.45 કરોડથી ગામોમાં પાણી સંગ્રહ ક્ષમતા વધશે, પર્યાવરણ સુધરશે અને સ્થાનિક લોકોને સીધો લાભ મળશે. રોડ રીસ્ટોરેશન માટે મંજૂર થયેલા 9.86 કરોડથી ખરાબ અને જર્જરિત રસ્તાઓની મરામત અને પુનઃનિર્માણ કરવામાં આવશે. સારા રસ્તાઓથી ગામો વચ્ચેનો સંપર્ક મજબૂત બનશે અને ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા ઈમરજન્સી સેવાઓને પણ મોટી રાહત મળશે.
પર્યાવરણ અને સ્વચ્છતાના દૃષ્ટિકોણથી ચિલોડામાં સ્થાપિત થનારો 7.0 એમએલડી ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 43.50 કરોડની આ યોજના દ્વારા ગંદા પાણીનું વૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણ થશે, જેથી ભૂગર્ભ જળ સંરક્ષણ, સ્વચ્છતા અને જાહેર આરોગ્યમાં સુધારો થશે. ભવિષ્યમાં આ શુદ્ધ થયેલ પાણીનો ઉપયોગ સિંચાઈ સહિતના કામોમાં પણ કરી શકાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ યોજનાઓ તબક્કાવાર અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાઓ અમલમાં આવતા ગાંધીનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં આધારીત સુવિધાઓ મજબૂત બનશે અને દીર્ઘકાલીન વિકાસને નવી દિશા મળશે. ગ્રામ્યનો વિકાસ થતાં શહેરનો પણ વિકાસ થશે.