
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ માણસા ખાતે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરશે, તેમજ ગાંધીનગર સેક્ટર-28 ખાતે ગુજરાતની સર્વપ્રથમ હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4 લેબનો શિલાન્યાસ કરશે. ગાંધીનગરના સેક્ટર-28માં એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ પાસે તૈયાર થનારી આ BSL-4 લેબ દેશની બીજી અને ગુજરાતની પ્રથમ લેબ હશે. આ લેબમાં અત્યંત ચેપી વાયરસ અને પશુઓમાં ફેલાતા ગંભીર રોગો પર સંશોધન કરી શકાશે. આ સુવિધા ‘બાયો-કન્ટેઇનમેન્ટ ફેસીલીટી’થી સજ્જ હશે. જે ગુજરાતને પશુ આરોગ્ય અને રસીકરણના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે.
ઉપરાંત 13મી જાન્યુઆરીએ સવારે 10 કલાકે માણસાની આર્ટસ કોલેજ સંકુલમાં અમિત શાહ નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલ જનતાને સમર્પિત કરશે. આ સંકુલ સ્થાનિક ખેલાડીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેથી ગ્રામીણ સ્તરેથી પ્રતિભાઓ બહાર આવશે. આ ઉપરાંત માણસા તાલુકાના અન્ય વિવિધ વિકાસ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીના આગમનને પગલે ગાંધીનગર અને માણસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.