ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધા યોજાઈ, વિજેતાઓ જાહેર કર્યા

Spread the love

 

ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કશ્યપ નિમાવત અને કુંતલ નિમાવતે માહિતી આપતા જણાવ્યું કે, આ સ્પર્ધા વયજૂથ પ્રમાણે કુલ આઠ વિભાગમાં યોજાઈ હતી. પ્રત્યેક વિભાગમાં પુરુષ અને મહિલા એમ બે પેટાવિભાગ પાડીને ત્રણ વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા. સ્પર્ધામાં ગાંધીનગર ઉપરાંત દહેગામ, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને ડીસાના સ્પર્ધકો જોડાયા હતા. સૌથી નાની વયના સ્પર્ધકની ઉંમર પાંચ વર્ષ અને સૌથી મોટી વયના સ્પર્ધકની ઉંમર 82 વર્ષ હતી. લાડુ ભોજન માટે 30 મિનિટનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ સમયમર્યાદામાં મહત્તમ લાડુ ખાનારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેક લોકોએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા જંક ફૂડનો ત્યાગ કરીને પરંપરાગત ભોજન તરફ પાછા ફરવા સમાજને અપીલ પણ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે નિમેષ મહેન્દ્રભાઈ ચૌહાણને ‘લાડુ વીર’ અને હેમાબેન સગરને ‘લાડુ વીરાંગના’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નિમેષ ચૌહાણે 10 લાડુ અને હેમાબેન સગરે 8 લાડુ ખાઈને આ ખિતાબ મેળવ્યા હતા. કેનેડાથી માતા-પિતાને મળવા અમદાવાદ આવેલા ધ્રુમિલ ત્રિવેદીએ 19 થી 25 ની વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ધ્રુમિલના માતા મનીષાબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ 51 થી 60 ના વયજૂથના મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર સ્પર્ધાના આયોજનમાં અશ્વિન ત્રિવેદી, હાર્દિક તલાટી, ભાગ્યેશ પરમાર, ગૌરાંગ પંડ્યા સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *