
આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે દહેગામ પંથકના નાગરિકોની સુરક્ષા અને અબોલ પક્ષીઓના રક્ષણ માટે દહેગામ પોલીસ તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ પર્વ દરમિયાન લોકો પ્રતિબંધિત ચાઇના દોરી (નાયલોન દોરી) કે જોખમી ગ્લાસ કોટેડ દોરીનો તેમજ તુક્કલનો ઉપયોગ ન કરે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ચાઇના દોરી માનવ જિંદગી અને પશુ-પક્ષીઓ માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ દોરી સહેલાઈથી તૂટતી નથી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ગંભીર અકસ્માતનો ભોગ બને છે. આકાશમાં ઉડતા પક્ષીઓ આ દોરીમાં ફસાઈને જીવ ગુમાવે છે.પર્યાવરણને પણ આ દોરીથી ભારે નુકસાન પહોંચે છે. સરકાર દ્વારા ચાઇના દોરીના વેચાણ અને સંગ્રહ પર કડક પ્રતિબંધ છે. દહેગામ પોલીસ આ મામલે સતર્ક છે અને જે પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પણ સ્થળે પ્રતિબંધિત દોરીનું કે તુક્કલનું વેચાણ થતું હોય અથવા કોઈ તેનો ઉપયોગ કરતું જણાય, તો તાત્કાલિક 6359624932 નંબર પર પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરાઇ છે.