
ગાંધીનગર શહેરમાં ફેલાયેલા ટાઈફોઈડના રોગચાળાને પગલે જિલ્લાના દહેગામમાં પણ સંક્રમણ ન વધે તે માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પાલિકા તંત્ર દ્વારા પાણીના લીકેજ રિપેરીંગથી લઈ ખાણીપીણીની લારીઓ પર કડક ચેકિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. દહેગામ શહેરમાં ટાઈફોઈડ સહિત પાણીજન્ય કે ખોરાક જન્ય રોગચાળો ન ફેલાય તે માટે દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમા રામીણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ ચુનારાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં નાસ્તા અને પાણીપુરીની લારીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન 6 જેટલી પાણીપુરીની લારીઓ પરથી અત્યંત બિનઆરોગ્યપ્રદ અને વાસી બટાકા તેમજ ચણાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બિનઆરોગ્યપ્રદ પાણી અને ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા બાદ લારી ધારકોને ભવિષ્યમાં આવી બેદરકારી બદલ ભારે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. દહેગામ શહેરમાં રોગચાળો ફેલાય નહીં તે નગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનમાં રહેલા લીકેજ શોધી તેને રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે જેથી દૂષિત પાણીની સમસ્યા નિવારી શકાય ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં તાવ કે અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ઉતરાયણના પર્વને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા પ્રજાજનોને પણ સતર્ક રહેવા જણાવાયું છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક અને ખુલ્લામાં વેચાતી ખાદ્યસામગ્રી ન ખાવા માટે તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેવું સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ ચુનારાએ જણાવ્યું હતું.