
દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ પરિવારે દીકરીઓના શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. 11 જાન્યુઆરી, 2026ના રોજ દહેગામ ખાતે સમાજની દીકરીઓ માટે નવીન રીડિંગ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે. આ રીડિંગ લાયબ્રેરી દહેગામમાં શિવશક્તિ કોમ્પ્લેક્સ, દુકાન નં. 13, બીજા માળે, રોડ કોઠાળીના દવાખાના પાસે શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓને શાંતિપૂર્ણ અને અભ્યાસલક્ષી વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળા-કૉલેજના અભ્યાસ અને સ્વઅભ્યાસમાં વધુ પ્રગતિ કરી શકે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ પહેલને આવકારી હતી અને દીકરીઓના શિક્ષણ માટે સમાજ દ્વારા લેવાયેલા આ પગલાંને સમયની જરૂરિયાત ગણાવ્યું હતું. વક્તાઓએ “દીકરી શિક્ષિત તો સમાજ સશક્ત” ના સૂત્રને દોહરાવી જણાવ્યું કે આ લાયબ્રેરી દીકરીઓના સપના સાકાર કરવા માટે મજબૂત પાયો બનશે. રીડિંગ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, સામાયિકો, અખબારો અને અભ્યાસ માટે જરૂરી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં આ લાયબ્રેરીને વધુ વિકસિત કરવા માટે પણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન માટે દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ પરિવારના આગેવાનો અને સહયોગ આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પહેલથી ક્ષત્રિય સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.