ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવાર, 13 જાન્યુઆરી, 2026 થી બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર ફરીથી ચર્ચા શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ ભારતીય વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અઠવાડિયે આવી કોઈ વાતચીત નિર્ધારિત નથી.
વોશિંગ્ટન તરફથી કોઈ સત્તાવાર સૂચના ન મળતા વેપાર કરારની આશા ફરી એકવાર પાછળ ઠેલાઈ ગઈ છે.
ટ્રમ્પની ટેરિફ નીતિથી ભારતીય નિકાસકારો ફફડાટમાં આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વ્યવહાર રાખતા દેશો પર 25% વધારાનો ટેરિફ ઝીંકવાની ચીમકી આપી છે. હાલમાં જ ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 50% જેટલો ઉંચો ટેરિફ લાગુ છે, જે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદનો મુખ્ય વિષય છે. આ ઉપરાંત, જો અમેરિકન કોંગ્રેસ રશિયા અને તેના ભાગીદારો વિરુદ્ધ નવું પ્રતિબંધ વિધેયક પસાર કરશે, તો ભારતીય નિકાસકારોએ વધુ આર્થિક બોજ સહન કરવો પડી શકે છે.
નિકાસમાં વૃદ્ધિ છતાં વચગાળાનો કરાર અધ્ધરતાલ ચોંકાવનારી વાત એ છે કે, આટલા ઊંચા ટેરિફ અને કડક વલણ છતાં અમેરિકામાં ભારતની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન નિકાસ 11.4% વધીને 59.04 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ભારતીય અધિકારીઓ વચગાળાના વેપાર કરાર સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે જેથી ટેરિફમાં રાહત મળી શકે, પરંતુ અમેરિકાના આક્રમક વલણને કારણે કોઈ નિશ્ચિત સમયરેખા નક્કી થઈ શકી નથી.