રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક તબક્કામાં પહોંચ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાએ યુક્રેનના અનેક શહેરોમાં વિનાશની સ્થિતિ સર્જી અને લાખો નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી વગર રહેવાની નોબત આવી છે.
યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારોમાં હાલ તાપમાન માઈનસ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રશિયાએ વ્યૂહાત્મક રીતે યુક્રેનના પાવર સ્ટેશનો અને એનર્જી ગ્રીડને નિશાન બનાવ્યા છે. પરિણામે, કડકડતી ઠંડીમાં લાખો લોકોના ઘરોમાં હીટિંગ (ગરમી)ની સુવિધા બંધ થઈ ગઈ છે. વીજળી અને ગરમી વગર નાગરિકોની હાલત અત્યંત કફોડી બની છે અને લોકો ફફડતા જીવે અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.
હુમલાના આંકડા અને નુકસાન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની ગંભીરતા જણાવતા કહ્યું કે, રશિયાએ 300 જેટલા ડ્રોન, 18 બેલિસ્ટિક મિસાઈલો અને 7 ક્રૂઝ મિસાઈલો દ્વારા 8 પ્રદેશોને નિશાન બનાવ્યા છે. જોકે, યુક્રેનની એરફોર્સે વળતો પ્રહાર કરીને 247 ડ્રોન અને 7 મિસાઈલો તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં, ખાર્કિવ, ઓડેસા અને ડોનેત્સ્ક જેવા શહેરોમાં બોમ્બમારાથી વિનાશની સ્થિતિ સર્જાઈ છે ખાર્કિવમાં જ એક પોસ્ટલ ટર્મિનલ પર થયેલા હુમલામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
યુક્રેનની વધતી ચિંતા
ઝેલેન્સ્કીએ ફરી એકવાર વિશ્વ સમક્ષ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જો સૈન્ય સહાય અટકશે, તો નાગરિકો પરનું જોખમ વધી જશે. હાલ પૂર્વ યુક્રેનમાં લોહિયાળ જંગ ચાલુ છે અને Russia Ukraine War માં અત્યારે શાંતિની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.