
ઉતરાયણ અને વાસી ઉતરાયણના પર્વની પૂર્ણાહુતિ બાદ ગાંધીનગર શહેરના માર્ગો અને જાહેર સ્થળો પર ફેલાયેલા પતંગના જોખમી દોરાના નિકાલ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાની ફાયર વિભાગની ટીમ અને સેનિટેશન શાખાના સફાઈકર્મીઓ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નકામા દોરા અને પતંગના અવશેષો એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
તહેવાર બાદ પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ કામગીરી આરંભી દેવામાં આવી હતી, જે હાલમાં પણ કાર્યરત છે. સફાઈ કામદારો દ્વારા રસ્તાઓ, વીજળીના તાર અને વૃક્ષો પર ફસાયેલા દોરાઓને કાળજીપૂર્વક દૂર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર એકત્રિત કરાયેલ જથ્થાને સુરક્ષિત નિકાલ માટે સેક્ટર-21 ખાતે આવેલા ‘RRR’ (Reduce, Reuse, Recycle) સેન્ટર પર જમા કરાવવામાં આવશે.
મનપા દ્વારા ગાંધીનગરના જાગૃત નાગરિકોને પણ આ ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. નાગરિકો આ ત્રણ દિવસ દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી પોતાની આસપાસના વિસ્તારમાંથી એકત્ર કરેલા દોરાના ગૂંચળા સેક્ટર-૨૧, રાજશ્રી સિનેમા પાસે આવેલા RRR સેન્ટર (Reduce, Reuse, Recycle) ખાતે જમા કરાવી શકશે.
આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્સવ બાદ પર્યાવરણની જાળવણી અને અબોલ પક્ષીઓને દોરાથી થતી ઈજાઓથી બચાવવાનો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા આ ત્વરિત પગલાંને પગલે શહેરીજનોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરને દોરામુક્ત કરવા માટે ફાયર અને સેનિટેશન વિભાગની ટીમો સતર્કતાથી કાર્ય કરી રહી છે.