
ગાંધીનગર જિલ્લાના દહેગામ GIDC વિસ્તારમાં ક્રેનની અડફેટે 55 વર્ષીય મજૂર રમણજી બાબુજી ભીલનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ દુર્ઘટના બપોરના સમયે બની હતી, જેમાં ક્રેન ચાલકની બેદરકારી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક રમણજી ભીલ દહેગામના પુના તલાવડી વિસ્તારના રહેવાસી હતા. તેઓ સવારે તેમના પુત્ર કિશનભાઈ સાથે ઉમિયા સો-મીલ ખાતે મજૂરી કામ માટે ગયા હતા. બપોરે આશરે 12:30 વાગ્યે રમણજી અન્ય મજૂરો માટે ચા લેવા સો-મીલથી બહાર નીકળ્યા ત્યારે આ ઘટના બની હતી.
રમણજી રસ્તાની સાઈડમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે વર્ધમાન સ્કૂલ તરફ જતા રોડ પર ‘ફર્સ્ટ ચોઈસ કાર સ્પા’ નજીક અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રેન નંબર GJ-18-H-9775 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રમણજીને પાછળથી ટક્કર મારી હતી.ટક્કર વાગતા રમણજી જમીન પર પટકાયા હતા અને ક્રેનનું ટાયર તેમના પેટના ભાગેથી ફરી વળ્યું હતું. અકસ્માત બાદ રોડ પર બુમાબુમ થતાં પુત્ર કિશનભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતાના પિતાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં જોયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમણજીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સુપરત કર્યો હતો.મૃતકના પુત્ર કિશન ભીલની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.