
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા મામલે બાંધછોડની નીતિ જોવા મળી રહી છે. તાજેતરમાં શહેરમાં દૂષિત પાણીથી ફેલાયેલા ટાઇફોઇડના રોગચાળાના પગલે તંત્ર દ્વારા પાણીપુરી, ભેળપુરી, રગડા પેટીસ સહિતની ખાદ્ય સામગ્રીઓ અને ઠંડા પીણા વેચતી લારીઓ- દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી અને વિવિધ દુકાનો લારીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ આ સેમ્પલની ચકાસણી બાદ તે ખાવાલાયક છે કે નહીં તેનો રીપોર્ટ આવતા બે મહિના જેટલો સમય લાગે છે. બીજી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા પાસે હાલ ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે કે સેમ્પલ લેવા માટે માળખુ કે સક્ષમ અધિકારી જ નથી. જેથી ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે જિલ્લાના ખોરાક તંત્રનો જ આધાર રાખવો પડે છે.
શહેરમાં ટાઇફોઇડનો રોગચાળો ફેલાયા બાદ જિલ્લાના ખોરાક તંત્ર દ્વારા તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી ખાણીપીણીની લારીઓ બંધ કરાવી દેવામાં આવી હતી. આ પ્રકારની 82 જેટલી લારીઓ- દુકાનોમાંથી અત્યારસુધીમાં પાણી પુરીના પાણી, મસાલા સહિતના કુલ 74 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે પરંતુ તેનો રીપોર્ટ આવતા બે મહિના જેટલો સમય લાગી જાય તેમ છે.
મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે સ્ટાફ જ નથી. ફૂડ સેમ્પલ લેવા માટે સક્ષમ અધિકારી નથી. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે પરંતુ હજુ આ પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. તે જ પ્રકારે સેક્ટર-23માં ફૂડ ટેસ્ટીંગ લેબ ફેસેલિટીની પ્રક્રિયા પણ ચાલી રહી છે જેના સેટઅપમાં પણ સમય લાગે તેમ છે.