
શહેરના સેક્ટરો માટે 24 કલાક પાણીની યોજના હવે ટૂંક સમયમાં અમલી બનવાની છે ત્યારે ટીપી વિસ્તારોમાં પણ નર્મદાના પાણીના વિતરણ માટે પાઇપલાઇનનું નેટવર્ક તબક્કાવાર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વિવિધ સ્થળોએ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને પાણીની મેઇન તથા આંતરિક લાઇન પણ નાખવામાં આવશે. જેના ભાગરૂપે વિવિધ ચાર જેટલા ટીપી વિસ્તારો અને ગામતળને પાણી પહોંચાડવા માટે તૈયાર માળખાના સંચાલન અને મેઇન્ટેનન્સ માટે મહાનગરપાલિકા દ્વારા 1.38 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરી છે.
શહેરના ટીપી વિસ્તારોમાં હાલ સૌથી વધારે વિકાસ જોવા મળે છે અને અનેક સોસાયટીઓ ઉભી થઇ છે તેમજ નવી પણ બની રહી છે. આ સોસાયટીઓમાં મોટાભાગે બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેમને નર્મદાનું શુદ્ધ અને ઓછા ટીડીએસનું પાણી પહોંચાડવા માટે તબક્કાવાર આયોજન થઇ રહ્યું છે. ટીપી-9 સરગાસણ, વાવોલ ટીપી-13 અને ગામતળ તથા કોલવડા ગામતળ ઉપરાંત ટીપી-14 અને 15 હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણની પાઇપલાઇન નેટવર્ક અને મેઇન્ટેનન્સ માટેના ટેન્ડરને તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ટુંક સમયમાં આ કામગીરી શરૂ કરાશે. થોડા સમયમાં શહેર આસપાસના વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી પહોંચશે. નાગરિકોને હવે શુદ્ધ પાણી પીવા માટે મળશે.