પિંડારડામાં કોંગો મુદ્દે રાહત:પશુ અને ટિકના નમૂનામાં વાયરસ જોવા ન મળ્યો

Spread the love

 

 

ગાંધીનગર જિલ્લાના પિંડારડા ગામમાં ક્રીમીયન-કોંગો હેમોરેજીક ફીવર અંગે કરાયેલી તપાસમાં રાહતજનક પરિણામ સામે આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પશુઓ અને ટિક (કિલણી)ના તમામ નમૂનાઓ સીસીએચએપ વાયરસ માટે નેગેટિવ નોંધાયા છે. આ પરીક્ષણ આઈસીએમઆર–નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (એનઆઈવી), પુણે ખાતે કરવામાં આવ્યું હતું. પશુ રોગ તપાસ એકમ દ્વારા 7 જાન્યુઆરી 2026ના રોજ પિંડારડા ગામમાંથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ ભાવેશ સેન્ટાભાઈ રબારીના પશુઓમાંથી લેવામાં આવ્યા હતા.
એક માણસ કોંગો વાયરસથી પોજિટીવ આવતા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 5 રક્ત નમૂનાઓ, 5 સીરમ નમૂનાઓ અને 1 સંયુક્ત ટિક નમૂનાનો સમાવેશ થાય છે. તમામ નમૂનાઓ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા, જ્યાં 12 જાન્યુઆરીએ તેમની પ્રાપ્તી બાદ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. એનઆઈવી ખાતે રિયલ-ટાઇમ RT-PCR ટેકનોલોજી દ્વારા પશુઓના રક્ત નમૂના અને ટિક નમૂનામાં વાયરસની સક્રિય હાજરી તપાસવામાં આવી હતી. રિપોર્ટ મુજબ તમામ રક્ત નમૂના તેમજ ટિક નમૂનો વાયરસ માટે નેગેટિવ રહ્યા હતા. તે ઉપરાંત, સીરમ નમૂનાની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં આ બાબત પણ દર્શાવવામાં આવી છે કે નમૂનાઓના પરિવહન દરમિયાન કોલ્ડ ચેન સંપૂર્ણપણે જાળવવામાં આવી ન હતી, છતાં પરીક્ષણના પરિણામો સ્પષ્ટ રીતે નેગેટિવ આવ્યા છે. આ તમામ તારણોથી સ્પષ્ટ થાય છે કે પિંડારડા ગામમાં હાલમાં કોંગો સંક્રમણ અથવા તેના ફેલાવાનો કોઈ સંકેત નથી. પશુપાલન વિભાગ અને આરોગ્ય એજન્સીઓ માટે આ રિપોર્ટ એક મહત્વપૂર્ણ ટેકનિકલ આધાર પૂરું પાડે છે, જેના આધારે વિસ્તારમાં સતર્કતા જાળવી રાખી શકાય અને અનાવશ્યક ભયને અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *