
શહેરમાં નવી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણતાના આરે છે પરંતુ ડ્રેનેજ લાઇન કાર્યરત થતા હજુ બે મહિનાનો સમય લાગી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં મેઇન ડ્રેનેજ લાઇનથી ઘર સુધીના જોડાણ આપવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. હજુ 15 હજાર ઘરોને ગટર લાઇન સાથેના જોડાણ આપવાના બાકી રહ્યા છે. બીજીતરફ ચાર જેટલા સેક્ટરોમાં હજુ પણ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું નથી.
વારંવાર સમયમર્યાદા વધારવા છતાં સેક્ટરોમાં હજુ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થઇ નથી. ગટર લાઈન નાખવાનું કામ પૂર્ણ થયું નથી. જે સેક્ટરોમાં કામ પુરા થઇ ગયા છે ત્યાં પણ દરેક ઘર સાથેના જોડાણની કામગીરી પુરી થઇ નથી. કુલ 29 હજાર ઘરોમાં ડ્રેનેજ લાઇનનું જોડાણ આપવા મહાનગરપાલિકા દ્વારા 5 જેટલી એજન્સીઓ રોકવામાં આવી છે અને કુલ 21 કરોડનો ખર્ચ પણ કરવામાં આવશે. પરંતુ આ જોડાણ આપવાની કામગીરી હજુ 14 હજાર ઘરોમાં જ પૂર્ણ થઇ છે. જેથી આગામી 31 જાન્યુઆરી સુધીમાં બાકીના 15 હજાર ઘરોને આવરી લેવાય તે શક્ય નહી હોવાથી હજુ બે મહિના જેટલો સમય લાગે તેમ છે. શહેરમાં ડ્રેનેજ લાઇનનું કામ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે. જેના કારણે પાણીની લાઇનમાં અનેકવાર ભંગાણ પણ પડ્યા છે.