
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ) ગુજરાત પોલીસની સાયબર અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. યુનિવર્સિટી એઆઈ આધારિત અદ્યતન ટેકનોલોજી ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે, જે સાયબર ગુનાઓની ઝડપી ઓળખ, નિવારણ અને વિશ્લેષણ માટે ઉપયોગી બનશે. આ દીર્ઘકાલીન રોડમૅપના ભાગરૂપે તાજેતરમાં ડાયરેક્ટોરેટ ઓફ કોઓર્ડિનેશન પોલીસ વાયરલેસ (ડીસીપીડબ્લૂ), દિલ્હી માટે બે દિવસીય વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં ગુજરાત પોલીસ માટે વધુ વિસ્તૃત તાલીમ કાર્યક્રમો પૂરા પાડે છે.
ગુજરાત પોલીસના આધુનિકીકરણ માટે એઆઈ તાલીમની શરૂઆત આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન સ્કૂલ ઓફ આઈટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જે પોલીસિંગ કામગીરીમાં એઆઈના સંકલન માટે આગેવાની લઈ રહ્યું છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્કશોપ માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં ગુજરાત પોલીસ માટે રચનાત્મક અને શ્રેણીબદ્ધ તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
મુખ્ય હેતુ એક સંકલિત ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સાયબર ગુનાઓને ટ્રેક, ટ્રેસ અને વિશ્લેષણ કરી શકે. પ્રારંભિક તબક્કામાં તૈયાર થતું સિસ્ટમ પોલીસને વાયરલેસ અને ડિજિટલ કમ્યુનિકેશન ઉપકરણોમાંથી સાયબર ગુનાઓ સંબંધિત ડેટા એકત્રિત કરી તેનો વિશ્લેષણ કરવાની ક્ષમતા આપશે. ખાસ કરીને ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ અને સંગઠિત સાયબર ગુનાઓના કેસોમાં તપાસની ચોકસાઈ નોંધપાત્ર રીતે વધશે. અધિકારીઓના જણાવ્યા મુજબ સાયબર ગુનેગારો દ્વારા એઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને કાયદો અમલ કરનારી એજન્સીઓને પણ સમકક્ષ આધુનિક ટેકનોલોજી અપનાવવાની જરૂર છે.
આ પ્રોજેક્ટનો સૌથી મહત્વાકાંક્ષી પાસું એ છે કે એઆઈ આધારિત સાધનો દ્વારા સાયબર ગુનાની શોધનો સમય લગભગ ચોથા ભાગ જેટલો ઘટાડાશે. પેટર્ન રિકગ્નિશન અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સના ઉપયોગથી તપાસ અધિકારીઓ પરંપરાગત પદ્ધતિઓ કરતાં ઘણી વહેલી તકે ખતરાઓ ઓળખી શકશે. ઉપરાંત, ખાસ કરીને તૈયાર થતું ડીપફેક ડિટેક્શન ટૂલ ફેરફાર કરેલ તસવીરો, વીડિયો અને તેમની મૂળ સ્ત્રોત ઓળખવામાં મદદરૂપ થશે, જે ખોટી માહિતી અને સાયબર બ્લેકમેલિંગના કેસોમાં અત્યંત મહત્વપૂર્ણ બનશે.
સાયબર ગુનાઓ અને ખોટી માહિતીથી થતી માનસિક અસરને ધ્યાનમાં રાખીને, આ સિસ્ટમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ નજર રાખશે. ઇમોશન-ડિટેક્શન એલ્ગોરિધમ્સ દ્વારા પોસ્ટ્સને દુઃખ, ગુસ્સો, ભય અથવા ખુશી જેવી લાગણીના આધારે વર્ગીકૃત કરવામાં આવશે. આથી ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો પર સોશિયલ મીડિયા કન્ટેન્ટની માનસિક અને સામાજિક અસરને સમજીને સમયસર પગલાં લઈ શકશે.અધિકારીઓએ આ પહેલને ભવિષ્ય સજ્જ પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.