
માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અને મોટર વ્હીકલ એક્ટ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. જેથી માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. કાર્યક્રમ દરમિયાન આરટીઓ ગાંધીનગરના અધિકારીઓએ હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવતા નાગરિકોને ખાસ રીતે પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા તથા સલામતીના તમામ માપદંડોનું ધ્યાન રાખતા વાહનચાલકોને માર્ગ પર રોકી તેમને ગુલાબ અને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી માર્ગ સલામતીનું સકારાત્મક સંદેશ જનતા સુધી પહોંચ્યો હતો.
આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવું માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ જીવન બચાવવાનું મહત્વપૂર્ણ સાધન છે. નાના પગલાં પણ મોટા અકસ્માતોને ટાળી શકે છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી હતી કે વાહન ચલાવતા સમયે હંમેશા હેલ્મેટ પહેરો, ગતિમર્યાદાનું પાલન કરો અને ટ્રાફિક નિયમોને ગંભીરતાથી અનુસરો. માર્ગ સલામતી માસ અંતર્ગત આયોજિત આ પ્રકારની પહેલ સમાજમાં જવાબદાર વાહનચાલક પ્રત્યે સકારાત્મક બદલાવ લાવવામાં મદદરૂપ બની રહી છે. આ પ્રકારના પ્રયોગ અન્ય શહેરના આરટીઓ વિભાગે પણ કરવા જોઇએ તેવી પ્રેરણા પણ આપી હતી.