
મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ મથકે એક યુવાન સાથે લગ્નના નામે રૂ. 11 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના યુવાનને લગ્નની લાલચ આપી ખોટી વિધિ કરાવી ઘરેણાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે.
DYSP કમલેશ વસાવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરના વતની ભોગ બનનાર યુવાન લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા. તેમના પિતા મારફતે ધનસુરાના જયરાજસિંહ ચૌહાણ નામના ઈસમ સાથે તેમનો સંપર્ક થયો હતો. જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોવાનું જણાવી છોકરી શોધી આપવાની વાત કરી હતી.
આશરે દસ દિવસ પહેલા ભોગ બનનાર યુવાન ખાનપુરના કુભાયડી ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમનો સંપર્ક કનુભાઈ કાળુભાઈ ડામોર અને તેમના પત્ની શારદાબેન કનુભાઈ ડામોર સાથે થયો. આ દંપતીએ તેમને જ્યોતિ નામની એક છોકરી બતાવી હતી, જેની સાથે તેનો કાકાનો છોકરો રાકેશભાઈ પણ હાજર હતો.
લગ્ન માટે વાતચીત ફાઇનલ થયા બાદ બે દિવસ પહેલા ભોગ બનનાર યુવાન પોતાના પરિવાર સાથે કુભાયડી ગામે આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ખોટી લગ્ન વિધિ કરાવી રૂ. 6 લાખના ઘરેણાં અને રૂ. 5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવાના બહાને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ફરિયાદીએ તાત્કાલિક બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કનુભાઈ કાળુભાઈ ડામોર અને તેમના પત્ની શારદાબેન ડામોરે પોતાની દીકરીના દસ્તાવેજો આપ્યા હતા. જોકે, પોલીસે જ્યારે ફરિયાદીને તેમની દીકરી બતાવી ત્યારે ફરિયાદીએ તે જ્યોતિ ન હોવાનું જણાવ્યું હતું, જેની સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે કે ફરિયાદીના લગ્ન કઈ છોકરી સાથે કરાવવામાં આવ્યા હતા.
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ અગાઉ આવી કોઈ છેતરપિંડીની ઘટનાઓમાં સામેલ હતા કે કેમ અને તેમણે આવા કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમની સાથે પણ આવી કોઈ ઘટના બની હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ કેસમાં કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ત્રણની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય ફરાર છે..