
વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન લે-વેચના નામે નિર્દોષ રોકાણકારો અને જમીન માલિકોને ચૂનો લગાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વડોદરા શહેરના કુખ્યાત બિલ્ડર ભૂપેન્દ્ર શાંતિલાલ ઉર્ફે ટીનો શાહ અને તેના સાગરીત વિજય પંચાલની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 4 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદી સાથે છેતરપિંડી થતા તેઓ અમેરિકાથી દોડી આવ્યા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક જમીન સોદામાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી, જમીન માલિકોને અંધારામાં રાખી અને રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઓપરેશન હાથ ધરી, માંજલપુર ખાતે રહેતા ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ અને છાણી વિસ્તારમાં રહેતા તેના સાગરીત વિજય પંચાલને દબોચી લીધા હતા. આ ઉપરાંત મયુરીકા પટેલ અને પી.કે.મારે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેમની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
વડોદરા નજીકના ગોત્રી ગામમાં જમીન વેચાણને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદી અને તેમના સાક્ષીઓએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ મળીને ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેમની જમીન પર કબજો કરવાનું કાવતરું રચ્યું છે. આ મામલે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપો મુકવામાં આવ્યા છે. ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદી અને તેમના સાક્ષીઓએ 7 ડિસેમ્બર 2000ના રોજ ગોત્રી ગામના રેવન્યુ સર્વે નંબર 249 (ક્ષેત્રફળ 8701 ચોરસ મીટર) અને તેની સાથે જોડાયેલા રેવન્યુ સર્વે નંબર 292 (ક્ષેત્રફળ 12849 ચોરસ મીટર)ની જમીન મૂળ માલિકો ભરત મોહનભાઈ પટેલ અને અન્ય 14 વ્યક્તિઓ પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (રજિસ્ટ્રેશન નંબર 7569) દ્વારા ખરીદી હતી. આ જમીનનું ટાઇટલ ક્લિયર કરવા માટે ફરિયાદીઓએ આરોપી ભૂપેન્દ્ર શાહને જવાબદારી સોંપી હતી અને તેને પાવર ઓફ એટર્ની પણ આપી હતી. ટાઇટલ ક્લિયર થયા બાદ ફરિયાદીઓએ જમીનનો વિકાસ કરવાની યોજના બનાવી હતી. જોકે, આરોપી ભૂપેન્દ્ર શાહ, વિજય પંચાલ અને પી.કે.મોરેએ 4 સાથે મળીને આ જમીનને લઈને ખોટું અને બનાવટી ‘બાનાખત’ (વેચાણ કરાર) તૈયાર કર્યું હોવાનો આરોપ છે.