
ઉના તાલુકાના તડ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ભીંગરણ ગામના 22 વર્ષીય જગદીશભાઈ પાંચાભાઈ મકવાણાનું નિધન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશભાઈ તેમના પિતરાઈ ભાઈને લેવા માટે ભીંગરણથી કેસરિયા ગામ તરફ પોતાની GJ 32-R 7469 નંબરની બાઇક પર જઈ રહ્યા હતા. તેમના પિતરાઈ ભાઈ માછીમારી કરવા બોટમાં ગયા હતા અને રાત્રિના સમયે કેસરિયા પરત ફર્યા હતા.
તડ ગામની માધ્યમિક શાળા પાસે GJ 16 AU 6603 નંબરના ટ્રકની પાછળ તેમની બાઇક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં જગદીશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. નવાબંદર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે થયો તે અંગે તપાસ ચાલી રહી છે અને એફ.એસ.એલ.ને પણ જાણ કરવામાં આવી છે.