
સુરેન્દ્રનગર એલસીબીએ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પરથી પ્રોહિબિશનના એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ.70 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પીઆઈ જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ બાલુભા ઝાલા (બેજ નં. 1405) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, તારીખ 20 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે લગભગ 5 વાગ્યે ચુડા તાલુકાના મોરવાડા બ્રિજ નજીક, અમદાવાદ-લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ટ્રક નંબર GJ 01 CX 4077ને રોકવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક રામભાઈ મોરી (ઉંમર 27, રહે. પોરબંદર)ની તપાસ કરતા, સોયાબીનના કોથળાની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી 750 એમ.એલ.ની સીલબંધ બોટલોનો કુલ 4396 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 57,60,600/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, સોયાવડી મીણીયાની 580 થેલીઓ (કિંમત રૂ. 2,61,000/-), ટ્રક (કિંમત રૂ. 10000/-) અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 70,26,600/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો આરોપી નંબર ૨ જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ, પોરબંદર)ના કહેવાથી ભીલવાડાની સહયોગ હોટલ ખાતેથી ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યો હતો. આ જથ્થો જામનગરના એક અજાણ્યા ઇસમને પહોંચાડવાનો હતો. હાલ આરોપી નંબર 1 રામભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, પીએસઆઈ વી.એમ. કોડીયાતર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.