
મહેસાણા
મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, સસરાએ તેની છેડતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર બાબતે ભોગ બનનાર મહિલા હોમિયોપેથિક ડોક્ટર છે અને તેણે ડિસેમ્બર 2022માં ભાડે દુકાન રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિક માટેનો તમામ ખર્ચ મહિલાએ પોતે ભોગવ્યો હોવા છતાં, ક્લિનિકની માસિક આશરે રૂ. 35,000ની આવક સાસરિયાં લઈ લેતા હતાં. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તેના પતિએ ધંધા પર રૂ. 70 લાખની લોન લીધેલી છે. જેના હપ્તા ભરવા માટે પતિ અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો અને દારૂ પીને મારપીટ કરતો હતો.
મહિલા ડોક્ટરે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, માર્ચ 2025માં જ્યારે તે તેના સસરાને જમવાનું પીરસવા ગઈ હતી. ત્યારે સસરાએ તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આ બાબતે પતિને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ આવવાને બદલે ઘરકંકાસ વધ્યો હતો. સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી દારૂ પીને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પીડિતાના મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વધતા જતા ત્રાસથી કંટાળી મહિલા 12 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તેના ક્લિનિક પર સાસરિયાઓએ બીજા તાળાં મારી દીધા હતા. 15 ડિસેમ્બરના રોજ જ્યારે મહિલા તેના ભાઈ અને માતા સાથે ક્લિનિકે પહોંચી ત્યારે તેના પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અંતે મહિલાએ પોલીસને બોલાવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.