
જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈને બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. શું છે સમગ્ર મામલો?ઃ કેશોદના સોની બજારમાં આવેલી ‘પાલા પ્રિયમ જ્વેલર્સ’ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા કહ્યું કે, 10 તારીખે સાંજે 6 વાગ્યે તેમની દુકાને એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ દાગીના પસંદ કરી પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, “આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું.
આ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી ₹2,62,000ની કિંમતના બે સોનાના ચેઈન અને ઉપરથી ₹22,000 રોકડા મેળવી લીધા હતા. કુલ ₹2,85,000નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. વેપારીને શંકા જતા તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો. સીસીટીવી ફૂટેજમાં આ કપલ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા.
વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પી.આઈ. કુનાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે, આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી દંપતીને ઝડપી પાડ્યું હતું. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ માસ્ટરમાઈન્ડ દ્વારા કપલને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં ₹7,000નું કમિશન મળતું હતું. તેઓ અત્યંત સાવચેતી રાખતા અને એક શહેરમાં માત્ર એક જ વેપારીને નિશાન બનાવી તરત જ બીજું શહેર પકડી લેતા હતા જેથી સ્થાનિક પોલીસ તેમને પકડી ન શકે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ કપલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના 15 અલગ-અલગ રાજ્યોના 56 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેઓએ અંદાજે 900 ગ્રામ જેટલા સોનાના અસલી દાગીના વેપારીઓ પાસેથી પડાવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં જ 10થી 12 સોની વેપારીઓ આ ગેંગનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. હાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે. જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે, જેથી આ ગુનેગારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.