
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ મૂળી અને થાનગઢ તાલુકાના ગામોમાં ખાનગી માલિકીની જમીનોમાં અગાઉ બંધ કરાયેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓની ચકાસણી કરી હતી. આ તપાસમાં હાલ કોઈ પણ ગેરકાયદેસર કોલસાનો કૂવો ચાલુ હાલતમાં મળી આવ્યો નથી, જેની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ (ભરવાનું) કાર્ય શરૂ કર્યું હતું. લોડર મશીનની મદદથી તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓ ભરવામાં આવી રહ્યા છે.
આ કાર્યવાહી છ મહિના પહેલાં મૂળી તાલુકાના ખંપાળીયા ગામમાં (સરકારી સર્વે નંબર 50 અને 161) નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે પાડેલા દરોડા સાથે સંબંધિત છે. તે સમયે સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોવાનું જણાયું હતું. સરકારી મિલકતને થયેલા મોટા નુકસાનના સંદર્ભમાં, નાયબ કલેક્ટર ચોટીલા, મૂળીના મામલતદાર અને પી.જી.વી.સી.એલ. મૂળીની સંયુક્ત ટીમે ખંપાળીયાના સર્વે નંબર 50 અને 161 વાળી જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પરથી 7 ટ્રાન્સફોર્મર (ટી.સી.) જપ્ત કરવામાં આવ્યા હતા. ખનન અને ગેરકાયદેસર દબાણની માત્રાની ચકાસણી કરીને, સંબંધિત તમામ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.