
બનાસકાંઠાના ડીસા નજીક બનાસપુલ પર આજે સવારે ધુમ્મસને કારણે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એસટી બસ પાછળ દૂધનું ટેન્કર અને આગળ ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચે ઈકો કાર આવી જતાં ઈકો આગળ અને પાછળ બંને ભાગેથી ભાગીને ભુક્કો થઈ ગઇ હતી. જ્યારે ટેન્કર બસના પાછળના ભાગે ઘૂસી ગઇ હતી. અત્યારસુધીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ દુર્ઘટનામાં ઇકો ગાડીમાં બેસી સ્કૂલે જતાં ચારથી વધુ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બનાસપુલ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના પગલે વાહનચાલકોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.