
વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે સુસેન સર્કલ પાસે એક રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક પોલીસ અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલકને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જોકે વૃદ્ધ દંપતીને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. રિક્ષા સુસેન સર્કલથી મકરપુરા ડેપો તરફ જઈ રહી હતી. આ દરમિયાન એક બાઇક સવાર રોંગ સાઇડથી આવી જતા રિક્ષાચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસમાં રિક્ષાનું નિયંત્રણ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોએ રિક્ષામાં ફસાયેલા વૃદ્ધ દંપતી અને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વૃદ્ધ દંપતીને તાત્કાલિક તબીબી સારવાર અપાઈ હતી, જ્યાં તેમને નાની ઇજાઓ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને લઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જેના કારણે થોડા સમય માટે વાહનો અટકી ગયા હતા અને ટ્રાફિકજામ થઈ ગયો હતો.