હોટલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મારક હથિયારો સાથે ઝડપાયા

Spread the love

 

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણમાંથી બે વ્યક્તિઓ પાસે હથિયારો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી, આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા નજીક વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર ગુપ્ત માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. હોટેલના ચોથા માળે રૂમ નંબર 412માં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી બે પિસ્ટલ, એક બારબોર ગન અને કાર્તૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલા વ્યક્તિઓમાં અમિતકુમાર શ્રીકાંતકુમાર હિન્નરિયા (ઉંમર 27 વર્ષ, વ્યવસાય વેપાર, રહેવાસી લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, બારબોર ગન અને 17 પિસ્ટલ કાર્તૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિ રવિ બિરેન શર્મા (રહેવાસી મોહનપુરા, લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, 17 કાર્તૂસ અને 4 ખાલી કાર્તૂસ મળી આવ્યા છે. કુલ મળીને રૂપિયા 7,66,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે મંજુસર પોલીસ મથકના PI વી.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઇસમો પાસેથી હથિયારો સાથે કાર્તૂસ મળી છે, સાથે બે બંદૂકના લાયસન્સ પણ મળી આવ્યા છે. પોલીસ વેરીફાય કરી રહી છે બાદમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ વ્યક્તિઓ કોણ છે અને તેઓ કયા હેતુથી હથિયારો સાથે રાખીને વડોદરા આવ્યા હતા, આ હથિયારનો ઉપયોગ કયા કરવાના હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *