
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ નાગરિકોને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં મકાન લાગ્યા છે. લાભાર્થીઓને ઝડપી મકાન મળે તેના માટે તેમના પુરાવા એકત્રિત કરવા માટે આજે 22 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનની ઝોનલ ઓફિસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે નાગરિકોને મકાન લાગ્યા છે તેમણે પોતાના રહેણાંક અને ઓળખ એમ બંનેના પુરાવા ઝોનલ ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લાભાર્થીઓને મેસેજ કરવામાં આવ્યા છે ત્યારે આ લોક દરબાર યોજી પુરાવા મેળવવામાં આવ્યા છે.
ઝોનલ ઓફિસ પર આજે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી લોક દરબારનું આયોજન
મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS- ફેઝ 2થી 5, ફેઝ- 6, EWS Type-2 અને LIG ફેઝ-2ના વિવિધ આવાસોની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બને તે હેતુસર આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઝોનલ ઓફિસ ખાતે જે પણ લાભાર્થીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાવા જમા કરાવવા માટે સ્થળ અને સમયનો મેસેજ કરવામાં આવ્યો હોય તેવા નાગરિકોએ પુરાવા લઈ પહોંચ્યા છે. અલગ અલગ ઝોનલ ઓફિસ ખાતે પુરાવા જમા કરાવવા લાભાર્થીઓની લાઈનો લાગી છે
એસ્ટેટ હાઉસિંગ સેલ વિભાગના જણાવ્યા મુજબ જે લાભાર્થી ને તેમના વિસ્તારની સંબંધીત ઓફિસની જાણ અરજદારોને SMSથી તેમના રજીસ્ટર્ડ મોબાઇલમાં કરવા જણાવવામાં આવી છે. જેથી કોમ્પ્યુટરાઇઝડ ડ્રોમાં પસંદગી પામેલ અરજદારોએ તેમને SMSથી જણાવેલા ઝોનના સરનામે જઇ જરૂરી અધિકૃત પુરાવાઓ જમા કરવા આવી રહ્યા છે સવારથી અલગ અલગ વિસ્તારોમાં કુલ 200 જેટલા લાભાર્થીઓ દ્વારા પોતાના પુરાવા રજુ કરી દીધા છે. રહેણાંકના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવારૂપે એક એમ કોઇપણ બે (નીચે જણાવેલ પૈકીના) પુરાવા રજૂ કરવાના રહેશે.
કયા પુરાવા રજૂ કરવાના રહેશે
- ચૂંટણી કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- આધાર કાર્ડ (કુટુંબના તમામ સભ્યો)
- પાનકાર્ડ
- રેશન કાર્ડ
- ટેક્ષ બીલ / લાઇટબીલ
- સરકારી / અર્ધ સરકારી કર્મચારીનું ઓળખપત્ર
- આરક્ષણ કેટેગરીનું માન્ય પ્રમાણપત્ર
- ઉંમર અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો
- આવકના પુરાવા તરીકે પગાર સ્લીપ, ઇન્કમટેક્ષ રીટર્ન, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર, રાજય સરકારના અધિકૃત અધિકારીનું પ્રમાણપત્ર