
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ભરૂચથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. જોકે, દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.
મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રવિરાજને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાખી વર્દી પહેરી દેશસેવા કરવાની ઈચ્છા રાખનાર રવિરાજનું મોત થતાં સાથી ઉમેદવારોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ ભરતીમાં જોડાતા ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને મેદાન પરની તબીબી સુવિધાઓ અંગે ચર્ચા જગાવી છે. આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા. રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી (SRP) ગ્રુપમાં એએસઆઈ (ASI) તરીકે ફરજ બજાવી રહ્યા છે. રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ (PSI) બનવાની તનતોડ મહેનત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી પરંતુ સફળ થયા ન હતા. હિંમત હાર્યા વગર, આ વર્ષે ફરીથી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વિધિની વક્રતાએ તેમને ખાખી પહેરતા અટકાવી દીધા.