ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની શક્યતા છે. હાલ અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ચીન બીજા ક્રમે છે. જોકે, અમેરિકાની જાણીતી રોકાણ કંપની કાર્લાઈલ ગ્રુપના કો-ફાઉન્ડરનું માનવું છે કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન ઇકોનોમિક ટાઈમ્સને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં રૂૂબેનસ્ટીને કહ્યું,”મને લાગે છે કે આગામી 20થી 30 વર્ષમાં ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.” રૂૂબેનસ્ટીને અમેરિકા અને ભારતના સંબંધોને લઈને કોઈ ચિંતા નથી એવું જણાવ્યું. “પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથેના અમેરિકાના સંબંધો અંગે ખૂબ સકારાત્મક રહ્યા છે. તેમણે પોતાના નજીકના સહયોગીને ભારત માટે રાજદૂત તરીકે નિયુક્ત કર્યો છે.”
રૂૂબેનસ્ટીને ભારતીય નીતિનિર્માતાઓને સલાહ આપી કે ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ, પ્રાઈવેટ ઇક્વિટી (PE) અને પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટને પશ્ચિમના રોકાણ તરીકે માત્ર ન જોવામાં આવે. તેમણે કહ્યું કે જો પ્રાઈવેટ ઇક્વિટી અને પ્રાઈવેટ ક્રેડિટ બજારને વિકાસ કરવાની તક આપવામાં આવશે, તો મજબૂત મૂડી ધરાવતા ભારતીય ઉદ્યોગપતિઓ પણ આ ક્ષેત્રમાં આગળ આવશે. આવી નીતિઓ ઘણા લોકોને ભારતમાં જ રહેવા અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપશે.
તેમણે સમજાવ્યું કે પ્રાઈવેટ ઇક્વિટીનો અર્થ છે એવી કંપનીઓમાં રોકાણ, જે હજી શેરબજારમાં લિસ્ટેડ નથી, જ્યારે પ્રાઈવેટ ક્રેડિટનો અર્થ છે બેન્કોની જગ્યાએ સીધું ધિરાણ આપવું. આ રોકાણના નવા માધ્યમો છે. કાર્લાઈલ ગ્રુપે ભારતમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં અત્યાર સુધી 8 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.