
ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ કાર્યરત તમામ તાલુકા લેવલ એક્ઝિક્યુટીવ (ટીએલઇ) તથા અન્ય કર્મચારીઓને તેમની નોકરીમાંથી દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે, જેને લઈને કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે ગુરુવારે ડીડીઓને પત્ર લખી બરતરફીના આદેશને તરત રદ કરવાની માંગણી કરી છે.
પત્ર મુજબ, કુલ 70 કર્મચારીઓને 1 ફેબ્રુઆરીથી ફરજમાંથી મુક્ત કરવા જણાવવામાં આવ્યું છે. આમાં રાજ્ય અને જિલ્લા સ્તરના એક્ઝિક્યુટિવ, આધાર કોઓર્ડિનેટર, સહાયક, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને મેનેજરોનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે અચાનક લેવાયેલો આ નિર્ણય તેમની રોજગાર સુરક્ષા માટે ગંભીર ચિંતા ઊભી કરે છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે વિકાસ કમિશનરે આ માટેની એજન્સી આર્મી ઇન્ફોટેકને પત્ર લખી માનવ સંસાધનનો ઉપયોગ સીમિત કરવા સૂચના આપી છે. આ સૂચના બાદ કંપનીએ ગાંધીનગર જિલ્લામાં કામ કરતા કર્મચારીઓને ફરજમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જણાવાયું છે.
કર્મચારીઓએ જણાવ્યું છે કે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના ગામડાંમાં ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અનુભવી કર્મચારીઓને દૂર કરવાથી ગ્રામ પંચાયતોમાં નાગરિકોને મળતી સેવાઓ પર ખરાબ અસર પડશે. કર્મચારીઓએ જિલ્લા તંત્રને અપીલ કરી છે કે નિર્ણયની ફરી સમીક્ષા કરી ન્યાય આપવો જોઈએ. હાલ સમગ્ર મામલો જિલ્લા તંત્રના જવાબની રાહ જોઈ રહ્યો છે. જો સત્વરે નિર્ણય નહીં લેવાય તો આ કર્મચારીઓને રોજગારી ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાશે. આ કર્મચારીઓ મારફતે જ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતો હોય છે. તેમને છૂટા કરવાથી તે કામગીરીમાં પણ અવરોધ ઉભો થશે.