
સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને 150 નંગ દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ રૂ.94 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરના સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ ડી.બી વાળાની ટીમને મળી હતી. જે બાતમીના પગલે એલસીબીની ટીમે સેક્ટર-6 બી પ્લોટ નંબર 657ના બીજા માળે દરોડો પાડ્યો હતો.
ત્યારે પોલીસને જોઇને ઉદયસિંહ ભુરાભાઈ સિસોદિયાના મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે તપાસ કરતા મકાનના એક રૂમમાંથી કપડાના 6 થેલા મળી આવ્યા હતા. જેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે કપડાના થેલાઓ ખોલતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.
જેની ગણતરી કરતા કુલ 150 નંગ બોટલ અને ટીનનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પૂછતાછ કરતાં બુટલેગર ઉદયસિંહ સિસોદિયાએ કબૂલાત કરેલી કે, આ જથ્થો અઠવાડિયા પહેલા રાજસ્થાનના અજીત નામના શખ્સે પૂરો પાડ્યો હતો. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન મળીને 94 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઉદયસિંહની ધરપકડ કરી વોન્ટેડ આરોપી વિરુધ પણ સેકટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.