અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળી, અડદ અને સોયાબીન ખરીદી આર્થિક ટેકો આપ્યો

Spread the love

 

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ખરીફ સીઝનના પાકોની અંદાજે 12,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ નિર્ણયને ખેડૂતો માટે અત્યંત લાભદાયી ગણાવતા પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારનો આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 6,33,149 લાભાર્થી ખેડૂતોને 9,907.86 કરોડ રૂપિયાની ચૂકવણી સફળતાપૂર્વક કરી દેવામાં આવી છે. આ વર્ષે મગફળી, અડદ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે 20 જાન્યુઆરી સુધીમાં કુલ 10.11 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળશે.
ચાલુ વર્ષે મગફળીના પાકમાં ગત વર્ષની સરખામણીએ વધુ ખેડૂતોએ રસ દાખવ્યો છે. કુલ 9.31 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગુજરાત માટે 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. હિરેન હિરપરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચાલુ ખરીફ સીઝનમાં કુલ ખરીદીનું મૂલ્ય 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો લાવશે.
તુવેર પાકની વાત કરીએ તો, 22 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી, 2026 સુધીમાં e-Samruddhi પોર્ટલ પર 1,30,640 ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. આ વખતે પ્રથમવાર NAFED ના પોર્ટલ પર આધાર આધારિત ‘Thumb Impression’ અથવા ‘Face Recognition’ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિનામૂલ્યે નોંધણી કરવામાં આવી રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ, તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી પહોંચવાની શક્યતા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખેતીને વધુ નફાકારક બનાવવા પ્રયત્નશીલ છે. સરકારના આ પ્રોત્સાહનથી ખેડૂતો નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. અતિવૃષ્ટિ સમયે હેક્ટર દીઠ સહાય અને ત્યારબાદ મોટા પાયે ટેકાના ભાવે ખરીદીના નિર્ણયોએ સાબિત કર્યું છે કે સરકાર ધરતીપુત્રોની પડખે મજબૂતીથી ઊભી છે. આવનારા દિવસોમાં કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો ખેડૂત વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે તેવો દ્રઢ વિશ્વાસ મીડિયા વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *