
જૂનાગઢની 14 વર્ષીય ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારે વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની માયાજાળમાં ખોવાઈ રહ્યા છે, ત્યાં જેન્સીએ બાળપણથી જ ટેનિસ કોર્ટ પર પરસેવો પાડીને અદ્ભુત સફળતા હાંસલ કરી છે. સાડા ત્રણ વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનુ શરૂ કરીને હવે તે વર્લ્ડ ટોપ-8માં સ્થાન મેળવી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહી છે. જેન્સીએ આ ટ્રોફીમાં સ્થાન મેળવીને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું. જેન્સીની અદ્ભુત સફળતા પાછળ તેના પિતા દીપકભાઈ કાનાબારનો સિંહફાળો છે. દીકરીના ટેનિસ પ્રત્યેના અતૂટ લગાવ અને પ્રતિભાને જોઈને પિતાએ પોતે જ તેની કોચિંગની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી અને જૂનાગઢમાં બે વિશેષ ટેનિસ કોર્ટ પણ તૈયાર કરાવ્યા. જેન્સી માત્ર સાડા ત્રણ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમી રહી છે એટલે કે તે છેલ્લા 11 વર્ષથી નિયમિત અને સતત પ્રેક્ટિસ કરી રહી છે.
હાલમાં તે દરરોજ ઈન્ટરનેશનલ ધારાધોરણ મુજબ 5-6 કલાકની કઠોર તાલીમ લે છે. તેની પ્રેક્ટિસ અને વિકાસમાં જૂનાગઢના અનુભવી ખેલાડીઓ તેમજ જીમખાનાના કોચ પણ સતત માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે. જેન્સીએ પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પ્રોપર ડાયેટ, પૂરતી ઊંઘ અને પિતાના માર્ગદર્શનને આપ્યો છે. તે યુવા પેઢીને સલાહ આપે છે કે, “જીવનમાં એક ગોલ નક્કી કરો અને તેને મેળવવા સખત મહેનત કરો. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને મેદાન પર આવો.” આજના ડિજિટલ યુગમાં જ્યારે મેદાનો ખાલી થઈ રહ્યા છે, ત્યારે જેન્સી અન્ય બાળકોને મોબાઈલ છોડીને રમતગમત પ્રત્યે રુચિ કેળવવાની પ્રેરણા આપી રહી છે. જૂનાગઢની આ દીકરી આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.
અંડર-14 અને અંડર-16માં ભારત-એશિયામાં નંબર-1 રહી ચૂકેલી જેન્સી અંડર-18માં વિશ્વમાં 293મા રેન્ક પર છે. તે ક્લે કોર્ટ અને સિન્થેટિક કોર્ટ બંનેમાં નેશનલ ચેમ્પિયન બની ચૂકી છે અને ત્રણ વખત ATF (Asian Tennis Federation) ચેમ્પિયન પણ રહી છે. ફિલિપાઈન્સ, કંબોડિયા, મલેશિયા અને યુકે જેવા દેશોમાં રમી ચૂકેલી જેન્સી હવે ઓસ્ટ્રેલિયન ઓપન જેવી મેજર ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટમાં ભારતનું ગૌરવ વધારવા જઈ રહી છે.