
મહેસાણા પંથકમાં એક પરપ્રાંતીય મહિલાની ભાવનાત્મક અસ્થિરતા અને જીવનની ભટકણ એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. સામાજિક તથા કાયદાકીય રીતે અયોગ્ય ગેરપ્રવૃત્તિઓમાં પરોવાયેલી આ મહિલાએ પોતાના પ્રેમીને પામવાની જીદમાં રાત્રિના સમયે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બળજબરીથી પ્રવેશ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના એક કોમર્શિયલ મિલ્કતમાં અંદાજે 29 વર્ષીય મહિલા બળજબરીથી ઘુસી આવી હતી અને બહાર ન નીકળતા કોમ્પ્લેક્સના લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો બોલી રહી હતી. પરિસ્થિતિ વણસતા જાગૃત નાગરિકે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદ માગી હતી. માહિતી મળતા 181 અભયમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ગુસ્સા અને માનસિક તણાવમાં રહેલી મહિલાની સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તે પરપ્રાંતની રહેવાસી છે અને પતિએ આડા સંબંધોની શંકા રાખી સંતાન છીનવી લઈ તેને ઘરેથી કાઢી મૂકી હતી. આઘાતજનક પરિસ્થિતિઓના કારણે તે માર્ગ ભટકી મહેસાણા પંથકમાં આવી અને જીવનનિર્વાહ માટે ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાઈ ગઈ હતી. આ દરમિયાન ગેસ્ટહાઉસ સંચાલક સાથે તેને પ્રેમ થયો હતો, પરંતુ સંબંધને સ્વીકાર ન મળતા તે ગંભીર માનસિક તણાવમાં આવી ગઈ હોવાનું મહિલાએ જણાવ્યું હતું. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ 181ની ટીમે મહિલાને કાયદાકીય સમજ આપી, ગેરપ્રવૃત્તિઓથી દૂર રહી સામાજિક જીવનમાં પરત ફરવા માર્ગદર્શન આપ્યું હતું. અંતે મહિલાને સુરક્ષિત રાખવા તેમજ સામાજિક સુધારાના હેતુથી નજીકના આશ્રયસ્થાને મોકલી આપવામાં આવી હતી, જ્યાં આગળની કાઉન્સેલિંગ અને પુનર્વસનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.