
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 3થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતાં એ સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે, એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તરથી આવતી ઠંડી હવા અને પવનની ગતિને કારણે આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતા છે. વહેલી સવાર અને મોડીરાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે. હવામાન નિષ્ણાત એ.ટી દેસાઈના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 5થી 9 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાતાં જનજીવન પ્રભાવિત થયું છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે. ઉત્તરમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 અને 25 જાન્યુઆરીએ આ ઠંડી હજુ પણ જળવાઈ રહેશે. ઠંડીનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થયેલા સ્નોફોલ અને ઠંડો પવન છે. તાપમાનમાં રાજ્યના વિવિધ ભાગોમાં 5થી 9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન થોડું વધશે અને ઠંડીમાં કામચલાઉ રાહત મળશે. ઠંડીનો બીજો રાઉન્ડ 28-29 જાન્યુઆરી બાદ ફરી એકવાર શરૂ થવાની શક્યતા છે. આમ, 26 જાન્યુઆરીથી બે-ત્રણ દિવસ માટે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડી પોતાનું જોર બતાવશે.