
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક સહિતના વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 22 જાન્યુઆરી, 2026ના રોજ ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની જગ્યાઓ માટે ‘ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2026’ ની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B ની તમામ જગ્યાઓ માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની અને 2 કલાકની રહેશે, જેમાં ગુજરાતી (15 ગુણ), અંગ્રેજી (15 ગુણ), સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (30 ગુણ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (30 ગુણ) અને રીઝનિંગ (60 ગુણ) ના હેતુલક્ષી પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે.
મુખ્ય પરીક્ષા (Main Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મુખ્ય પરીક્ષા લેવાશે.
ગ્રુપ-A: મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) પ્રકારની રહેશે. જેમાં ગુજરાતી ભાષા કૌશલ્ય (100 ગુણ), અંગ્રેજી ભાષા કૌશલ્ય (100 ગુણ) અને સામાન્ય અભ્યાસ (150 ગુણ) એમ કુલ 350 ગુણના પેપર લેવાશે.
ગ્રુપ-B: મુખ્ય પરીક્ષા હેતુલક્ષી (MCQ) પ્રકારની રહેશે. આ પરીક્ષા 200 ગુણની અને 2 કલાકની હશે.
મેરિટ લિસ્ટ
પ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે રહેશે, તેના ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના ગુણોના આધારે કરવામાં આવશે.
કયા હોદ્દાઓનો સમાવેશ?
આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ-રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ-3 પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમો લાગુ પડશે.
ઉંમર અને લાયકાત
ઉમેદવારે ઓછામાં ઓછા 20 વર્ષ પૂર્ણ કર્યા હોવા જરૂરી છે. મહત્તમ ઉંમર સંબંધિત ભરતી નિયમો મુજબ રહેશે. શૈક્ષણિક લાયકાત પણ સંબંધિત વિભાગના ભરતી નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.
પ્રિફરન્સ અને ફાળવણી
મુખ્ય પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારે વિભાગ/હોદ્દાની પસંદગી આપવાની રહેશે. એકવાર આપેલી પ્રિફરન્સ અંતિમ ગણાશે અને પછી ફેરફાર મંજૂર નહીં થાય. મેરીટ ક્રમ અને ખાલી જગ્યાઓના આધારે ફાળવણી કરવામાં આવશે.
2023ના જૂના નિયમો રદ
નવા નિયમો લાગુ થતાં 2023ના કમ્બાઇન્ડ પરીક્ષા નિયમો રદ કરવામાં આવ્યા છે. જો કે જૂના નિયમો હેઠળ શરૂ થયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ ગણાશે.
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે હવે એકજ પરીક્ષા દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીની તક મળશે.